30 June, 2026 08:08 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિરની ફાઇલ તસવીર
અયોધ્યા: રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલો હજી શાંત થતો હોય એવું જોવા મળતું નથી. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ અજય રાયના નેતૃત્વમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યું હતું. જોકે, પોલીસે હોટેલમાં રોકાયેલા અજય રાયને નજરકેદ કરી લીધા હતા. આ કાર્યવાહી સામે અજય રાયે નારાજગી વ્યક્ત કરી હતી.
હવે તેમની પત્ની રીના રાયે પણ એક વીડિયો જાહેર કરીને પતિની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં રીના રાયે કહ્યું, "મારા પતિનો અવાજ દબાવવા માટે ભાજપ સરકાર કોઈપણ હદ સુધી જઈ શકે છે. પોલીસ અજય રાયને જીપમાં લઈ ગઇ ત્યાર બાદ ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. દાનની રકમમાં થયેલી કથિત ચોરી સામે અમારી લડાઈ ચાલુ રહેશે. જો મારા પતિને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ ભાજપ સરકારની રહેશે."
આ પહેલા અજય રાયે તેમને નજરકેદ કરવામાં આવ્યા હોવાની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "અમે મંદિરમાં પણ જઈ શકતા નથી. ભગવાનના દર્શન કરવા માટે પણ સરકાર અમને રોકી રહી છે." કૉંગ્રેસના પ્રતિનિધિમંડળમાં અમેઠીના સાંસદ કિશોરી લાલ શર્મા, સીતાપુરના સાંસદ રાકેશ રાઠોડ, પ્રયાગરાજના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને બારાબંકીના સાંસદ તનુજ પુનિયા સામેલ છે. આ ઉપરાંત, બારાબંકીના પૂર્વ સાંસદ એસપી ગૌતમ, પૂર્વ એમએલસી દીપક સિંહ, મહારાજગંજના પૂર્વ ધારાસભ્ય વીરેન્દ્ર ચૌધરી અને બારાબંકીનાં પૂર્વ ધારાસભ્ય મીતા ગૌતમ પણ રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યાં છે.
અજય રાયે કહ્યું કે તેઓ કોઈપણ પરિસ્થિતિ હોય રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા જશે. આ માટે ભલે તેમને જેલ જવું પડે કે પછી ઉપવાસ કરવો પડે, તેઓ પીછેહટ નહીં કરે. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના સાથીઓ સાથે મળીને રામલલાના દર્શન કરવા માગે છે.
અજય રાયે કહ્યું કે બે દિવસ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અયોધ્યા આવ્યા હતા. તેમને રામ મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તો પછી અમને કેમ રોકવામાં આવી રહ્યા છે? એવો સવાલ અજય રાયે કર્યો. તેમણે ભાજપ પર જાણી જોઈને આવું કર્યું હોવાનો આરોપ લગાવ્યો. અજય રાયે કહ્યું કે અમે માત્ર રામલલાના દર્શન કરવા માગીએ છીએ. સાથે જ દાનની રકમની કથિત ચોરીના આરોપીઓને સદ્બુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવા ઇચ્છીએ છીએ. હાલ અયોધ્યામાં દાનની રકમની કથિત ચોરીના આરોપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. હવે આ વિવાદમાં સરકાર અને પ્રશાસન તરફથી આગળ શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર છે.