07 December, 2024 02:44 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિરનું શિખર સોનેથી મઢવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે મંદિરનું શિખર સોનેથી મઢવામાં આવશે. આ મુદ્દે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જાણકારી આપતાં કહ્યું હતું કે ‘મંદિરના શિખર પર ૧૦ ફુટ સુધી સોનું મઢવામાં આવશે. રામ મંદિરના પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે અને પહેલા માળ પર તમામ દરવાજા લગાવી દેવામાં આવ્યા છે. એ તમામ સુવર્ણજડિત છે. પ્રભુ રામ જ્યાં બિરાજમાન છે એ આસનને પણ સ્વર્ણજડિત તૈયાર કરવામાં આવ્યું છે. હવે મંદિરનું શિખર પણ સુવર્ણજડિત રહેશે અને ૨૦૨૫ના ડિસેમ્બર મહિના સુધીમાં એ તૈયાર કરી દેવામાં આવશે.’
હાલમાં મંદિરની સાઇટ પર કામ કરનારા મજૂરોની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ૧૫ માર્ચ સુધીમાં રામ મંદિરનું કામ પૂરું થશે. એ પછી મંદિર પરિસરમાં બનાવવામાં આવી રહેલાં સપ્ત મંદિરના કામને પૂરું કરવામાં આવશે. પરકોટાનું કામ પૂરું થયું છે. રામકથાનું આર્ટવર્ક પણ તૈયાર થઈ ગયું છે. રામ મંદિર પરિસરમાં ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, ફાયર-સ્ટેશન અને સિવર પ્લાન્ટનું કામ જાન્યુઆરીના અંત સુધીમાં ટ્રસ્ટને હૅન્ડઓવર કરવામાં આવશે.
છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યા હાઈ અલર્ટ પર
ગઈ કાલે બાબરી મસ્જિદના ધ્વંસની તિથિ હોવાથી અયોધ્યા હાઈ અલર્ટ પર હતું અને પોલીસે મુખ્ય માર્ગો પર પૅટ્રોલિંગ કર્યું હતું.