09 May, 2025 07:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પહલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા પાર પડાયેલા ઑપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું હતું. બુધવારે ૬ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦ બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાએ દેશનું ગૌરવ વધાર્યું છે. તમને ખબર જ છે કે છઠ્ઠી મેએ મધરાતે ભારતીય સેનાએ શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતાં એક નવો ઇતિહાસ લખ્યો છે. ભારતીય સેનાએ સચોટતા, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરી છે. અમે જે લક્ષ્ય નક્કી કર્યું હતું એને ચોકસાઈપૂર્વક પ્લાનિંગથી ધ્વસ્ત કર્યું છે. ભારતીય સેનાએ કોઈ પણ નાગરિક સ્થાનને જરા પણ પ્રભાવિત થવા ન દેવાની સંવેદનશીલતા દર્શાવી છે એટલે કે સેનાએ એક પ્રકારની ચોકસાઈ, સતર્કતા અને માનવતા દર્શાવી છે. ઑપરેશન સિંદૂર માટે હું આપણી સેનાના જવાનો અને અધિકારીઓને દેશ તરફથી અભિનંદન આપું છું. હું સેનાને સંપૂર્ણ સમર્થન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું. અમે હનુમાનજીના એ આદર્શનું પાલન કર્યું છે જે તેમણે અશોક વાટિકા નષ્ટ કરતી વખતે કર્યું હતું કે જિન્હ મોહિ મારા, તે મૈં મારે એટલે કે ફક્ત તેમને માર્યા છે જેમણે માસૂમોને માર્યા.’