11 August, 2025 11:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
ભોપાલમાં મૅન્યુફૅક્ચરિંગ માટેના ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) રેલ હબમાં નેક્સ્ટજેન રોલિંગ સ્ટૉક ફૅક્ટરીના ભૂમિપૂજન સમારોહમાં બોલતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરનારો દેશ છે. કેટલાક લોકો એવા છે જેમને ભારતનો વિકાસ ગમતો નથી. તેઓ એવું વિચારવા લાગ્યા છે કે તેઓ વિશ્વના બૉસ છે. તેઓ સમજી શકતા નથી કે ભારત આટલી ઝડપથી કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે? આ લોકો એવો પ્રયાસ કરી રહ્યા છે કે ભારતીયો દ્વારા બનાવેલી વસ્તુઓ જ્યારે અન્ય કોઈ દેશમાં જાય છે તો એ દેશોમાં બનેલી વસ્તુઓ કરતાં વધુ મોંઘી થઈ જાય છે જેથી વિશ્વના લોકો એને ખરીદે નહીં. જોકે આજે ભારત જે ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, એ વાત નક્કી છે કે એક દિવસ ભારત વિશ્વની એક મોટી શક્તિ બનશે. ભારતની પ્રગતિને હવે કોઈ રોકી શકશે નહીં.’
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ઑપરેશન સિંદૂર વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા, પરંતુ ભારતે આતંકવાદીઓનાં કર્મ જોઈને જવાબ આપ્યો હતો.