દુકાને ગ્રાહક પાસેથી માત્ર ૫૦ પૈસા વધારે લીધા, કન્ઝ્યુમર કમિશને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો

01 July, 2026 07:27 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

ફરિયાદીએ ૨૦૨૦માં પહેલી જાન્યુઆરીએ જયપુરના પરસરામપુરિયા માર્ટમાંથી ૫૦૦ ગ્રામનું રાજમાનું પૅકેટ ખરીદ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન સ્ટેટ કન્ઝ્યુમર કમિશને જણાવ્યું છે કે દુકાનદાર બિલ રાઉન્ડ ઑફ કરીને ગ્રાહક પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરી શકતો નથી, ભલે વધારાની રકમ માત્ર ૫૦ પૈસા જેટલી નાની જ કેમ ન હોય. કમિશને દુકાનદારને સેવામાં ખામી અને અન્યાયી વેપારપ્રથા માટે જવાબદાર ઠેરવીને ગ્રાહકને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

ફરિયાદીએ ૨૦૨૦માં પહેલી જાન્યુઆરીએ જયપુરના પરસરામપુરિયા માર્ટમાંથી ૫૦૦ ગ્રામનું રાજમાનું પૅકેટ ખરીદ્યું હતું. દુકાને તેને ૫૦ રૂપિયાનું બિલ આપ્યું હતું, પરંતુ જ્યારે તેણે બિલ તપાસ્યું ત્યારે તેને માલની વાસ્તવિક કિંમત ૪૯.૫૦ રૂપિયા હોવાનું જાણવા મળ્યું, જેમાં રાઉન્ડ ઑફ તરીકે વધારાના ૫૦ પૈસા ઉમેરવામાં આવ્યા હતા.

આ મુદ્દે ફરિયાદીએ ૫૦ પૈસા પાછા માગ્યા ત્યારે દુકાનદારે તેની પાસેથી બદલામાં ૫૦ પૈસા માગ્યા હતા. ફરિયાદીએ ૫૦ પૈસા આપ્યા, પરંતુ દુકાનદારે એ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ફરિયાદીએ રાજમા પૅકેટ સંપૂર્ણપણે પરત કરવાનું કહ્યું ત્યારે તેને કહેવામાં આવ્યું કે બિલ જનરેટ થયા પછી માલ પરત કરી શકાતો નથી. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દુકાનદારે તેની મજાક ઉડાવીને અસંસ્કારી વર્તન કર્યું હતું.

આનાથી નારાજ થઈને ફરિયાદીએ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન-II, જયપુરનો સંપર્ક કર્યો, આને અન્યાયી વેપારપ્રથા અને સેવામાં ખામી ગણાવી અને ફરિયાદ-ખર્ચ માટે ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર અને ૧૦,૦૦૦ રૂપિયા ફરિયાદ-ખર્ચની માગણી કરી હતી.

દુકાને નોટિસનો જવાબ આપ્યો ન હોવાથી કે કોઈ જવાબ દાખલ ન કર્યો હોવાથી કમિશને દુકાનને ૫૦ પૈસા ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરવા અને માનસિક યાતના માટે વળતર તરીકે ૧૫,૦૦૦ રૂપિયા અને ફરિયાદ-ખર્ચ માટે ૫૦૦૦ રૂપિયા મળીને કુલ ૨૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દુકાનદારે આ આદેશને પડકાર્યો હતો. કમિશને માનસિક યાતના માટે વળતર ઘટાડીને ૭૦૦૦ રૂપિયા અને ફરિયાદ-ખર્ચ માટે ૩૦૦૦ રૂપિયા મળીને કુલ ૧૦,૦૦૦ રૂપિયા બે મહિનામાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

national news india rajasthan Crime News consumer court