રાજસ્થાન હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો- લગ્નની ઉંમર ભલે ન થઈ હોય, લિવ-ઇનમાં રહેવાનો અધિકાર

07 December, 2025 05:59 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

કોર્ટે એમ પણ કહ્યું હતું કે લિવ-ઇન ગેરકાયદે નથી કે ભારતીય કાયદા હેઠળ ગુનો પણ નથી.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પુખ્ત વયના બે લોકો લગ્નની ઉંમરના ન હોય તો પણ પરસ્પર સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે. આપણા દેશમાં લગ્ન માટે છોકરીની લઘુતમ ઉંમર ૧૮ વર્ષ અને છોકરા માટે ૨૧ વર્ષ છે, જ્યારે પુખ્ત વયની ઉંમર ૧૮ વર્ષ છે. સોમવારે ન્યાયાધીશ અનુપકુમાર ઢાંડે આવા પુખ્ત વયના બે લોકો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. રાજસ્થાનના કોટામાં રહેતી ૧૮ વર્ષની છોકરી અને ૧૯ વર્ષના છોકરાએ સુરક્ષાની માગણી કરી હતી. છોકરી લગ્નયોગ્ય ઉંમરની છે, પરંતુ છોકરો હજી બે વર્ષ નાનો છે.

આ બે જણે ૨૦૨૫ની ૨૭ ઑક્ટોબરે લિવ-ઇન ઍગ્રીમેન્ટ તૈયાર કર્યું હતું. અરજદારોના જણાવ્યા અનુસાર છોકરીનો પરિવાર આ સંબંધનો વિરોધ કરી રહ્યો છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તથા પોલીસને લેખિત અપીલ કર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

રાજ્ય સરકાર વતી ઉપસ્થિત રહેલા સરકારી વકીલ વિવેક ચૌધરીએ દલીલ કરી હતી કે છોકરાની ઉંમર ૨૧ વર્ષની ન હોવાથી તે કાયદેસર રીતે લગ્ન કરી શકે નહીં એટલે તેમને લિવ-ઇન પાર્ટનરશિપમાં રહેવાની મંજૂરી ન આપવી જોઈએ. જોકે હાઈ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની બંધારણીય જવાબદારી છે. ન્યાયાધીશે કહ્યું હતું કે ફક્ત એટલા માટે કે અરજદારો લગ્ન માટે યોગ્ય ઉંમર સુધી પહોંચ્યાં નથી, તેમને આ મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકાય નહીં.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે લિવ-ઇન ગેરકાયદે નથી કે ભારતીય કાયદા હેઠળ ગુનો પણ નથી. કોર્ટે ભીલવાડા અને જોધપુર ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ધમકીઓના આરોપોની તપાસ કરવાનો અને જો જરૂરી હોય તો આ બે જણને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.

national news india rajasthan indian government sex and relationships