બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં જોવા મળી શક્તિ અને સમૃદ્ધિની ઝાંખી

30 January, 2023 12:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વરસાદને કારણે મેગા ડ્રોન શો કૅન્સલ કરવામાં આવ્યો

નવી દિલ્હીમાં ગઈ કાલે બીટિંગ રીટ્રીટ સેરેમની દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.

નવી દિલ્હી : નવી દિલ્હીમાં ગઈ કાલે સાંજે વિજય ચોકમાં બીટિંગ રિટ્રીટ સેરેમની યોજાઈ હતી, જેની સાથે જ રિપબ્લિક ડેના સેલિબ્રેશનનું સમાપન થયું હતું. વરસાદની પણ આ સમારોહમાં જોશ અને જુસ્સા પર કોઈ અસર નહોતી થઈ, પરંતુ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ મેગા ડ્રોન શો કૅન્સલ કરવામાં આવ્યો હતો. આ ડ્રોન શોમાં ૩૫૦૦ ડ્રોન્સનો ઉપયોગ થવાનો હતો. વરસાદ વચ્ચે યોજાયેલા આ સમારોહમાં ભારતની શક્તિ અને સમૃદ્ધિની ઝલક જોવા મળી હતી. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત હતાં. 

આ પણ વાંચો : Republic Day 2023: રાષ્ટ્રપતિનું દેશને સંબોધન, અમે સિતારા પર પહોંચીને પગ જમીન...

નવી દિલ્હીમાં ગઈ કાલે વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં પરફોર્મ કરતું આર્મ્ડ ફોર્સીસનું બૅન્ડ.

આર્મી, નેવી, ઍરફોર્સ, સ્ટેટ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સનાં મ્યુઝિક બૅન્ડ્સ દ્વારા ક્લાસિકલ રાગ પર આધારિત ૨૯ ઇન્ડિયન ટ્યુન્સ પ્લે કરવામાં આવી હતી. આ સેરેમનીની શરૂઆત ‘અગ્નિવીર’ ટ્યુનથી થઈ હતી. એ પછી ‘અલમોરા’, ‘કેદારનાથ’, ‘સંગમ દૂર’, ‘ક્વીન ઑફ સતપુરા’, ‘ભગીરથી’, ‘કોંકણ સુંદરી’ જેવી ટ્યુન્સ પ્લે કરવામાં આવી હતી. ઇન્ડિયન ઍરફોર્સના બૅન્ડે ‘અપરાજય અર્જુન’, ‘ચરખા’, ‘વાયુશક્તિ’, ‘સ્વદેશી’ પ્લે કર્યું હતું. ઇન્ડિયન આર્મીના બૅન્ડે ‘શંખનાદ’, ‘શેર-એ-જવાન’, ‘ભુપાલ’, ‘અગ્રણી ભારત’ પ્લે કર્યું હતું. બીટિંગ રિટ્રીટ સેરેમનીનું સમાપન ‘સારે જહાં સે અચ્છા’ સાથે થયું હતું. 

national news droupadi murmu new delhi indian army indian navy indian air force republic day