રાહુલે કહ્યું, ‘ઉનકી હવા નિકલ ગઈ’

23 December, 2023 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૪૬ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાની વિરુદ્ધ નવી દિલ્હીમાં જંતરમંતર ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ-પ્રદર્શન

નવી દિલ્હીમાં ગઈ કાલે જંતરમંતર ખાતે ઇન્ડિયા ગઠબંધનના વિરોધ-પ્રદર્શન દરમ્યાન કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના લીડર્સ રાહુલ ગાંધી અને અધીર રંજન ચૌધરી, સીપીઆઇ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, ડીએમકેના લીડર તિરુચી શિવા, સીપીઆઇના મહાસચિવ ડી. રાજા અને અન્ય લીડર્સ. (તસવીર : પી.ટી.આઇ.)

ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓના સંસદસભ્યોનો અવાજ સંસદમાં મૌન કરવામાં આવ્યો તો તેમણે સંસદની બહાર અવાજ ઉઠાવ્યો હતો. આ ગઠબંધનની પાર્ટીઓએ વિન્ટર સેશન દરમ્યાન સંસદનાં બન્ને ગૃહમાંથી ૧૪૬ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાની વિરુદ્ધ નવી દિલ્હીમાં જંતરમંતર ખાતે ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને દેશમાં લોકશાહી બચાવવા માટે લોકોને એક થવા માટે હાકલ કરી હતી.

ઇન્ડિયા (ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ ઍલાયન્સ)ના બૅનર હેઠળ આયોજિત આ વિરોધ-પ્રદર્શનમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ડાબેરી પાર્ટીઓ, ડીએમકે, એનસીપી, સમાજવાદી પાર્ટી, નૅશનલ કૉન્ફરન્સ, તૃણમૂલ કૉન્ગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા, આરજેડી અને આ ગઠબંધનમાં સામેલ અન્ય પાર્ટીઓના લીડર્સે ભાગ લીધો હતો.

આ વિરોધ-પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘કેટલાક યંગસ્ટર્સ સંસદમાં ઘૂસી ગયા હતા અને ધુમાડો કર્યો હતો. બીજેપીના તમામ એમપી ભાગી ગયા હતા. ઉનકી હવા નિકલ ગઈ.’ શા માટે ઘૂસણખોરોને આવું પગલું લેવાની જરૂર પડી એ સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે ‘આ ઘટનામાં સુરક્ષા-ચૂકનો સવાલ છે, પરંતુ બીજો એક સવાલ એ છે કે શા માટે તેમણે આ રીતે વિરોધ વ્યક્ત કર્યો, જેનો જવાબ છે દેશમાં બેરોજગારી. મીડિયા દેશમાં બેરોજગારી વિશે વાત કરતું નથી.’

બીજેપી સરકારમાં લોકશાહીને જોખમ હોવાના કારણે ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓના લીડર્સ સાથે આવ્યા છે. અમે જ્યારે સાથે હોઈએ ત્યારે નરેન્દ્ર મોદી કંઈ નહીં કરી શકે. તમે અમને કચડી નાખવાની જેટલી વધારે કોશિશ કરશો, અમે એટલા જ વધારે આગળ વધીશું. અમે આ દેશ અને લોકશાહીને બચાવવા માટે સાથે મળીને લડી રહ્યા છીએ. : મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના અધ્યક્ષ

congress mallikarjun kharge rahul gandhi adhir ranjan chowdhury sharad pawar nationalist congress party national news