25 May, 2025 11:04 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
ઝારખંડના ચૈબાસામાં માનહાનિના કેસને કારણે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ઝારખંડના ચૈબાસાની સંસદસભ્ય-વિધાનસભ્ય વિશેષ અદાલતે ૨૦૧૮માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી સંબંધિત કેસમાં તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું છે.
રાહુલ ગાંધીને ૨૬ જૂને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૈબાસાના રહેવાસી પ્રતાપ કટિયારે ૨૦૧૮ની ૯ જુલાઈએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ૨૦૧૮માં કૉન્ગ્રેસના સંમેલનમાં તત્કાલીન ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.
ફરિયાદ મુજબ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘કોઈ પણ ખૂની કૉન્ગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકતો નથી. કૉન્ગ્રેસીઓ ખૂનીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્વીકારી શકતા નથી. આ ફક્ત BJPમાં જ શક્ય છે.’
આ પછી કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૪માં રાહુલ ગાંધી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું હતું. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાની છૂટ માગી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
માર્ચ ૨૦૨૪માં ઝારખંડ હાઈ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર અમલ કર્યો હતો. આ પછી ચૈબાસા કોર્ટમાં ફરી સુનાવણી થઈ હતી. રાહુલ ગાંધીના વકીલે આ કેસમાં કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માગી હતી, પરંતુ કોર્ટે એને ફગાવી દીધી હતી.