હેં રાહુલજી, આમાં સત્ય, અહિંસા અને સત્યાગ્રહ ક્યાં આવ્યાં?

24 March, 2023 08:47 AM IST  |  New Delhi | Vishnu Pandya

કૉન્ગ્રેસી નેતાઓ ક્યાં સુધી જાય છે ટીકા કરવામાં એનાં તો અસંખ્ય ઉદાહરણો છે

તસવીર : પી.ટી.આઇ.

આજકાલ રાહુલ ગાંધીના વિચારોની બોલબાલા છે. ૨૦૧૯ની ૧૩ એપ્રિલે (પહેલીએ નહીં) જાહેર મંચ પરથી કૌભાંડોની વાત કરતાં તેમણે એવું કહ્યું કે આ નીરવ મોદી, લલિત મોદી વગેરેનાં કૌભાંડ થયાં; આમાં બધે મોદી અટક જ કેમ છે? રાહુલ ગાંધી ચતુરાઈથી આ કહેવા માગતા હતા. કહીં પે નિગાહેં, કહીં પે નિશાના. જોકે દરેક વખતે આમાં સફળ થવાતું નથી એ વાત તે ભૂલી ગયા. કૉન્ગ્રેસી નેતાઓ ક્યાં સુધી જાય છે ટીકા કરવામાં એનાં તો અસંખ્ય ઉદાહરણો છે. એક નેતા નરેન્દ્ર દામોદરદાસ મોદીને બદલે પિતાનું નામ ફેરવીને બોલ્યા અને પછી જાણે મોટી ધાડ મારી હોય એમ મરક-મરક હસીને સુધાર્યું. મણિશંકર ઐયરે ચા વેચનારો વડા પ્રધાન ન હોઈ શકે, તેણે ક્યાંક કીટલી રાખીને ચા વેચવી જોઈએ એવું કહ્યું. નીચ શબ્દ આવ્યો. રાષ્ટ્રપતિ મૈથિલી મહિલા થયાં તો તેમની હાંસી ઉડાવવામાં આવી. હિટલર તો સામાન્ય ગાળ બનાવી દેવામાં આવી. સોનિયા ગાંધીને કોણે સ્ક્રિપ્ટ લખી આપી હશે એ તો તેઓ જ જાણે, પણ મોત કા સોદાગર કહીને તેમણે પોતાની વોટ-બૅન્કમાં ગાબડું પાડ્યું એ બહુ જૂની વાત નથી. એમાંથી પ્રેરણા લઈને રાહુલ ગાંધીએ એક સૂત્ર આપ્યું ઃ ચોકીદાર ચોર હૈ. વડા પ્રધાને કોઈ વાર પોતાને દેશના ચોકીદાર કહ્યા હતા એનો જવાબ આપવામાં રાહુલે આમ કહ્યું અને સર્વોચ્ચ અદાલતનો ઠપકો સાંભળવો પડ્યો. સેનાના સેનાપતિને પણ બક્ષવામાં બાકી ન રાખવામાં આવ્યા અને લંડનમાં જઈને રાહુલ ગાંધીએ ફરિયાદ કરતાં બચ્ચાની જેમ કહ્યું કે હું બોલું ત્યારે માઇક બંધ કરી દેવામાં આવે છે, દેશમાં લોકશાહી રહી નથી, એને બચાવવા માટે તમારે કોશિશ કરવી જોઈએ. મોદી જુઠ્ઠું બોલે છે એ વાક્ય તો તેમનું કાયમી બની ગયું.

જોકે એક વિધાન તેમને નડી ગયું, એ પણ ગુજરાતમાં. કર્ણાટકના કોલાર ગામની સભામાં તેમણે કૌભાંડને મોદી અટક સાથે જોડી દીધું. ૨૦૧૯ની ૧૩ એપ્રિલે આ વિધાન થયું અને ૧૫મીએ સુરતવાસી પૂર્ણેશ મોદીએ ફરિયાદ દાખલ કરી સુરતની કોર્ટમાં. ૭ જૂને રાહુલ ગાંધીને પીઆર સમન્સ ગયો. ૧૬ જુલાઈએ રાહુલ કોર્ટમાં હાજર રહ્યા. બીજી વાર ૨૭ નવેમ્બરે આવ્યા. બરાબર ત્રણ વર્ષ ૧૧ મહિના અને ૮ દિવસે ચુકાદો આવ્યો એમાં કલમ ૪૯૯ અને ૫૦૦ મુજબ રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.

ન્યાયાલયની પરંપરા મુજબ હવે હાઈ કોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ જઈ શકે અને એમ થશે પણ ખરું. આ સજા પછી રાહુલ ગાંધીનું ટ્વીટ જાણવા જેવું છે. ૨૩ માર્ચે ૧૨.૧૩ વાગ્યે તેમણે ટ્વીટ કર્યું કે ‘મેરા ધર્મ સત્ય ઔર અહિંસા પર આધારિત હૈ. સત્ય મેરા ભગવાન હૈ ઔર અહિંસા ઉસે પાને કા સાધન...’ અને બહેન પ્રિયંકાએ પણ લખ્યું, ‘મેરે ભાઈ ના કભી ડરે હૈ, ન કભી ડરનેવાલે હૈ. સચ બોલતે જીએ હૈ, સચ બોલતે રહેંગે. દેશ કે લોગોં કી આવાઝ ઉઠાતે રહેંગે.’

ભાઈ-બહેનની વાત તો મજાની છે.

મહાત્મા ગાંધીના આ શબ્દો છે ‘સત્ય’, ‘અહિંસા’, ‘નીડરતા’, ‘ધર્મ’. ઓહોહોહો... કેવા સનાતન શબ્દો! જોકે એક કવિએ ગાંધીજીના આવા શબ્દો કેવી રીતે વપરાય છે એ સરસ પંક્તિમાં કહ્યું છે...
‘અમે બાપુ તણા પગલે એવા છીએ ચાલ્યા
હવે બાપુ તણા પગનું પગેરું શોધવું પડશે...’

...પણ આ તો ગુજરાતી કવિતા. રાહુલને કોણ સમજાવે અને કોઈ સમજાવે તો કેવું સમજાવે? હા, સુરતથી થોડેક દૂર દાંડી સ્મારક છે. બીજી તરફ બારડોલી છે, જ્યાં સરદારે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો અને જે સરદારને ગાંધીજીના આશીર્વાદથી પ્રથમ વડા પ્રધાન બનતા અટકાવાયા હતા ત્યારથી નેહરુ-ગાંધીનો સત્તા પર રહેવાનો દબદબો શરૂ થયો. હવે એવાં સપનાં શરૂ થયાં એ તો જાણે ઠીક, પણ રાહુલ શું બોલે છે એની તેમને ખરેખર સમજ છે? જયરામ રમેશ, શશી થરૂર અને બીજા આસપાસના નેતાઓ, જરાક તો સમજાવો કે શું બોલાય અને શું ન બોલાય? હજી વારંવાર, કશો ઇતિહાસ જાણ્યા વિના ઠપકારે છે કે હું રાહુલ ગાંધી છું, હું રાહુલ સાવરકર નથી; હું માફી નહીં માગું. અરે ભાઈ, માફી માગવી કે ન માગવી એ તમારી સમજ હશે, પણ એમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની શી જરૂર? આમેય સાવરકર અને તેમના પરિવારે જે યાતનાઓ સહન કરી છે એવું બનવા માટે નવો જન્મ લેવો પડે.

...પણ કોઈ તેમને સમજાવે કે ના સમજાવે, ભાઈ, આજકાલ અલગ મૂડમાં છે. ભારતયાત્રાને તે તપ માને છે. પુરાણા રાહુલ નથી રહ્યો એમ ફિલસૂફી કરે છે. કરવા દો, કોર્ટે કોર્ટનું કામ કર્યું. આજસુધીમાં કોઈ રાજકીય નેતાને તેનાં વિધાનો પર આવી સજા થઈ નથી, પણ ભારતમાં જે રીતે નેતાઓ જાહેર જીવનમાં માનહાનિ કરતાં વિધાનો કરે છે તે બધાએ બોધપાઠ લેવો જોઈએ. નહીં તો... ન્યાયાલયના પિંજરે ખડા થવું પડશે. આમેય હવે કેટલાક નેતાઓ ન્યાયતંત્રની ઉપરવટ જઈને સંસદમાં તપાસની હઠ લઈને બેઠા છે. આ ભાઈ-બહેનનાં ટ્વીટર પર વિધાનો એક રીતે ન્યાયાલયના ચુકાદાની સામેનો અવાજ નથી?  શું આ ચુકાદો સત્યની સામે છે? અહિંસાનો વિરોધી છે? અધર્મ છે?

national news rahul gandhi congress