13 October, 2026 02:50 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિપક્ષી ગઠબંધનની સુપ્રીમ કોર્ટ તરફની કૂચમાં જોડાયેલી મેદની તથા એનું નેતૃત્વ કરતાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને નેહા બોરા.
ઇન્ડિયા બ્લૉકના અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, મમતા બૅનરજી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી જેવાં ૧૧ નેતાઓ અરજદાર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગણી માટે ઇન્ડિયા બ્લૉકના વિપક્ષી નેતાઓએ ગઈ કાલે પહેલી વાર સુપ્રીમ કોર્ટ પર કૂચ કરી હતી અને લગભગ એક કિલોમીટર લાંબી કૂચમાં વિપક્ષી નેતાઓએ બસ, પગપાળા અને વાહનોમાં મુસાફરી કરી હતી અને સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. આ કૂચમાં હજારો લોકો જોડાયા હતા અને એથી સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં પહોંચતા પૂર્વે લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મોડી સાંજે રાહુલ, પ્રિયંકા, ખડગે અને અન્ય વિપક્ષી સંસદસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયાં હતાં.
વિપક્ષી સંસદસભ્યોએ કૉન્સ્ટિટ્યુશન ક્લબથી સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કાઢી હતી. કોર્ટની સામે બૅરિકેડ્સ હોવાને કારણે કૂચ અટકાવવામાં આવી હતી. ભગવાન દાસ રોડ પર પ્રદર્શનકારીઓને પોલીસના અવરોધનો સામનો કરવો પડ્યો હતો; પોલીસે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતાં પહેલાં જ આ કૂચને અટકાવી દીધી હતી.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશનની અધ્યક્ષ નેહા બોરાએ એક જ બસમાં સાથે મુસાફરી કરી હતી. કૉન્ગ્રેસે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં થયેલી અનિયમિતતાઓ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત ૧૧ વિપક્ષી નેતાઓ અરજદાર છે. આમાં ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
દિલ્હીના બારાખંબા રોડ પર વિપક્ષી ગઠબંધનના મોરચાને ખાળવા ઊભેલી પોલીસ.
સોમવારે વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે તેમને મળવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પેન્ડિંગ કેસોની ચર્ચા કરવી અયોગ્ય રહેશે. તેમણે તેમને તેમની અરજીઓ રૂબરૂમાં અથવા ઑનલાઇન દાખલ કરવા વિનંતી કરી હતી.