04 April, 2026 08:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાઘવ ચઢ્ઢાએ પોસ્ટ કરેલા વિડિયોમાંથી લેવાયેલી તસવીર.
આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં AAPના ઉપનેતાપદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ હકાલપટ્ટી પછી પોતાની જ પાર્ટી પર નિશાન સાધતાં એક વિડિયો-મેસેજમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘હું ચૂપ છું, હાર્યો નથી. શું મેં કોઈ ગુનો કર્યો છે? AAPએ રાજ્યસભાના સચિવાલયને મને ગૃહમાં બોલવા ન દેવા કહ્યું છે. મેં સામાન્ય લોકોના મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ મુદ્દા ઉઠાવવાથી આમ આદમીને ફાયદો થયો છે, પણ AAPનું શું નુકસાન થયું છે?’
આ મુદ્દે રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ‘જ્યારે પણ મને સંસદમાં બોલવાની તક મળે છે ત્યારે હું જાહેર મુદ્દાઓ ઉઠાવું છું અને કદાચ એવા મુદ્દાઓ જે સામાન્ય રીતે સંસદમાં ઉઠાવવામાં આવતા નથી. પરંતુ શું જાહેર સમસ્યાઓ વિશે, જાહેર મુદ્દાઓ વિશે વાત કરવી ગુનો છે? શું મેં કોઈ ગુનો કર્યો છે કે ભૂલ કરી છે? શું મેં કંઈ ખોટું કર્યું છે? હું આજે આ પ્રશ્ન પૂછી રહ્યો છું કારણ કે આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સચિવાલયને જાણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલવાની મંજૂરી ન આપવી જોઈએ. હા, આમ આદમી પાર્ટીએ સંસદને જાણ કરી છે કે તેમને બોલવાની તક ન આપવી જોઈએ. હવે કોઈ મને કેમ રોકવા માગશે?’
આ મુદ્દે આગળ બોલતાં રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું હતું કે ‘સંસદમાં હું આ દેશના લોકો વિશે વાત કરું છું. મોંઘા ઍરપોર્ટ ફૂડ, ઝોમાટો-બ્લિન્કિટ ડિલિવરી રાઇડર્સની સમસ્યા, ખોરાકમાં ભેળસેળ, ટોલપ્લાઝા પર ગેરરીતિ, બૅન્ક-ચાર્જ, કન્ટેન્ટ ક્રીએટર્સની વાત, મધ્યમ વર્ગ પરના ટૅક્સની વાત, ટેલિકૉમ કંપનીઓ દ્વારા ૧૨ મહિનામાં ૧૩ રીચાર્જની વાત, ડેટા રોલઓવર નથી થતો એ વાત અને રીચાર્જ પૂરો થતાં જ ઇનકમિંગ કૉલ કાપી નાખવામાં આવે છે એ વાત. આ બધા મુદ્દાઓ મેં ગૃહમાં ઉઠાવ્યા છે. આ મુદ્દાઓ ઉઠાવવાથી આમ આદમીને ફાયદો થયો છે, પરંતુ એણે પાર્ટીને શું નુકસાન પહોંચાડ્યું છે? કોઈ મને બોલતાં કેમ રોકવા માગશે અથવા મારો અવાજ બંધ કરવા માગશે? સારું, તમે બધા મને અપાર પ્રેમ આપો છો. જ્યારે પણ હું તમારા મુદ્દાઓ ઉઠાવું છું ત્યારે તમે મને ટેકો આપો છો અને પ્રોત્સાહન આપો છો, મારું મનોબળ વધારો છો. હું ફક્ત તમારો આભાર માનવા માગું છું. એવી જ રીતે... કૃપા કરીને મારો હાથ પકડો, છોડશો નહીં. હું તમારી સાથે છું અને આજે સંસદમાં બોલવાનો મારો અધિકાર છીનવી લેનારા અને મને ચૂપ કરાવનારા તબધાને હું એક વાત કહેવા માગું છું કે મારી ખામોશીને હાર ન સમજી લેતા, હું એવો દરિયો છું જે સમય આવતાં તોફાન બને છે.’
રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાને ઉપનેતાપદેથી હટાવવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)માં વિખવાદ હવે ખૂલીને સામે આવ્યો છે. ગુરુવારે AAPએ રાઘવ ચઢ્ઢાને હટાવીને તેમની જગ્યાએ અશોક મિત્તલને નિયુક્ત કર્યા હતા. ૩૭ વર્ષના રાઘવ ચઢ્ઢાએ એક વિડિયો જાહેર કરીને AAP પર તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતાં મામલો વધુ વકર્યો હતો. આ મુદ્દે AAPએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી કે તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ભાર મૂકવાને બદલે સમોસાની ચર્ચા કરવામાં પોતાનો સંસદીય સમય બગાડતા હતા.
આ મુદ્દે AAPના રાષ્ટ્રીય મીડિયાના વડા અનુરાગ ઢાંડાએ કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી તમે (રાઘવ ચઢ્ઢા) ડરી ગયા છો. તમે નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતાં ડરો છો. તમે દેશના વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવતાં ડરો છો.’
સંસદમાં રાઘવ ચઢ્ઢાના વર્તનની ટીકા કરતાં અનુરાગ ઢાંડાએ કહ્યું હતું કે ‘પાર્ટીને બોલવા માટે મર્યાદિત સમય મળે છે અને એનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવા માટે કરવો જોઈએ. એ સમયે આપણે કાં તો દેશને બચાવવા માટે લડી શકીએ છીએ અથવા ઍરપોર્ટ પર મળતા સમોસા સસ્તા બનાવવાની વાત કરીએ છીએ. રાઘવ ચઢ્ઢાએ કેટલીયે વાર પાર્ટી સાથે ઊભા રહેવાનો ઇનકાર કર્યો હતો અને અલગ વલણ અપનાવ્યું હતું. ગુજરાતમાં AAPના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી ત્યારે રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો નહોતો. તેમણે મુખ્ય ચૂંટણીકમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો અને અન્ય પક્ષના સભ્યો બહાર નીકળ્યા ત્યારે પણ વડા પ્રધાનના સંસદના ભાષણ માટે બેસી રહ્યા હતા.’
AAPના સંજય સિંહે પણ અનુરાગ ઢાંડા દ્વારા સૂચિબદ્ધ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને રાઘવ ચઢ્ઢા પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ‘રાઘવ ચઢ્ઢાએ ક્યારેય પાર્ટી માટે કોઈ વલણ અપનાવ્યું નથી. સંસદમાં જ્યારે પણ વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે ત્યારે તેઓ એના પર હસ્તાક્ષર કરતા નથી કે ટેકો આપતા નથી કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવતા નથી. જાહેર હિતને લગતા અનેક મુદ્દાઓ પર તે મૌન રહો છો. ગુજરાતમાં પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવ્યો ત્યારે પણ તમે બોલ્યા નથી.’
રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા પર જ્યારે તેમની પોતાની જ પાર્ટીના નેતાઓએ હલ્લાબોલ કર્યું છે ત્યારે દિલ્હીના BJP પ્રેસિડન્ટ વીરેન્દ્ર સચદેવાએ તેમની તરફેણમાં કહ્યું હતું કે ‘રાઘવ ચઢ્ઢાએ બહુ પહેલાં જ પોતાની ચુપકીદી તોડવાની જરૂર હતી. અરવિંદ કેજરીવાલમાં એક ટૅલન્ટ છે. પહેલાં તે લોકોને વાપરે છે અને પછી તેમનાથી છુટકારો મેળવી લે છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી નેતાપદેથી હટાવવાનો નિર્ણય તેમની પાર્ટીનો છે અને તમામ પાર્ટીઓ આવા નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, પરંતુ આપત્તિ ત્યાં છે કે તે રાજ્યસભાની ઑફિસમાં એ લખીને રિક્વેસ્ટ કરે છે કે તેમને બોલવાની પરવાનગી ન આપવામાં આવે. અરવિંદ કેજરીવાલ એક ડરપોક અને નબળા માણસ છે. તેમને બીજા પક્ષો પસંદ નથી અને તેઓ બીજાની કાબેલિયત અને પ્રતિભાથી ડરે છે.’