કલકત્તાની વિવાદાસ્પદ આર. જી. કર મેડિકલ કૉલેજની સ્ટુડન્ટ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી

03 February, 2025 11:31 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં ગયા વર્ષે પોસ્ટ ગ્રૅજ્યુએશન કરતી યુવતી પર બળાત્કાર કરી તેની ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં ગયા વર્ષે પોસ્ટ ગ્રૅજ્યુએશન કરતી યુવતી પર બળાત્કાર કરી તેની ક્રૂર હત્યા કરવામાં આવી હતી

કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં ગયા વર્ષે પોસ્ટ ગ્રૅજ્યુએશન કરતી યુવતી પર બળાત્કાર કરી તેની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. એ જ કૉલેજની MBBSના બીજા વર્ષમાં ભણતી ૨૦ વર્ષની સ્ટુડન્ટ ઈવી પ્રસાદનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

યુવતીના પિતા નૅશનલાઇઝ‍્ડ બૅન્કમાં કામ કરે છે અને હાલ મુંબઈમાં પોસ્ટિંગ પર છે, જ્યારે મમ્મી કમરહાટી ESI હૉસ્પિટલમાં ડૉક્ટર છે. કમરહાટી હૉસ્પિટલના ક્વૉર્ટરમાં તેઓ રહે છે. શુક્રવારે જ્યારે બહાર ગયેલી તેની મમ્મીએ દીકરીને સતત કૉલ કર્યા પછી પણ જવાબ ન મળતાં મમ્મીને કશુંક ખોટું થયું હોવાની શંકા ગઈ હતી. તે તરત જ ઘરે દોડી આવી હતી. રૂમનો દરવાજો ખોલીને અંદર જતાં સીલિંગ ફેન સાથે ઈવી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. એથી તેને નીચે ઉતારી તરત હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ સંદર્ભે બરાકપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે હાલ ઍક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર કરી મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે તાબામાં લીધો હતો. પોલીસને તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી આવી. આર. જી. કર હૉસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે ઈવી પ્રસાદ મોટા ભાગે ગુમસુમ રહેતી હતી. પોલીસને શંકા છે કે તે ડિપ્રેશનમાં હોવી જોઈએ, એથી એ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

kolkata Rape Case suicide murder case crime news national news news