12 April, 2023 11:53 AM IST | Bathinda | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
પંજાબ(Punjab)ના ભટિંડા મિલિટરી સ્ટેશન (Bathinda Firing)ની અંદર બુધવારે સવારે લગભગ 4.35 વાગ્યે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે. ભટિંડામાં આર્મી કેન્ટના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે.
હકીકતમાં, બુધવારે વહેલી સવારે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં ચાર જવાન શહીદ થયા હતા. શૂટર સાદા કપડામાં હતો.
ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદરથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. માર્યા ગયેલા ચાર લોકો 80 મીડિયમ રેજિમેન્ટના હતા. મિલિટ્રી સ્ટેશનમાં થયેલા ફાયરિંગ પર ભટિંડા SSPનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગ કોઈ આતંકી ઘટના નથી.
આ પણ વાંચો: Myanmar:સેનાનો નાગરિકોની ભીડ પર બોમ્બમારો, બાળકો સહિત 100થી વધુ લોકો માર્યા ગયા
કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર વ્યક્તિ સાદા કપડામાં હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા ભટિંડા મિલિટરી સ્ટેશનથી એક મેગેઝિન સાથે એક INSAS રાઈફલ ગુમ થઈ ગઈ હતી.
ગુમ થયેલા હથિયારની શોધ ચાલી રહી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જંગલમાંથી એક જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને કૂતરાઓએ ખંજવાળ્યા હતા.