25 September, 2025 11:02 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવીને સૂત્રોચ્ચાર કરતા લેહના યુવાનો.
વિદ્યાર્થીઓએ BJPના કાર્યાલયને અને પોલીસની ગાડીને તોડીને આગ લગાવી : હિંસા જોઈને જેન-ઝીના નેતા સોનમ વાંગચુકે ૧૫ દિવસના ઉપવાસ રોકીને યુવાનોને શાંત થવાની કરી અપીલ
બુધવારે લદ્દાખમાં હિમાલયના શાંત પહાડી વિસ્તારમાં અચાનક જ તનાવપૂર્ણ વાતાવરણ બની ગયું હતું. કેન્દ્ર સરકાર પાસે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની તેમ જ ભારતીય સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખને સામેલ કરવાની લાંબા સમયની માગણી ચાલી રહી હતી. આ માટે છેલ્લા ૧૫ દિવસથી શાંતિમય પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો. જોકે ગઈ કાલે સ્થાનિક જેન-ઝી સમુદાયે આ ડિમાન્ડને લઈને રસ્તા પર ઊતરીને આંદોલન શરૂ કર્યું હતું જેણે હિંસક સ્વરૂપ લઈ લીધું હતું. આ હિંસાને પગલે ૪ જણે જીવ ગુમાવ્યા હતા અને ૫૦ જણ ઘાયલ થયા હતા. યુવાનોએ પહેલાં પ્રદર્શન કર્યું અને પોલીસ સાથે ભીડી ગયા અને પછી BJPના કાર્યાલયને અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ગાડીને આગ લગાવી દીધી હતી.
એન્જિનિયર, પર્યાવરણવિદ અને શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવા માટે જાણીતા સોનમ વાંગચુકના નેતૃત્વમાં યુવાનોનું કહેવું છે કે જ્યારે ૨૦૧૯માં લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું ત્યારે તેમને વિશેષાધિકાર અને સંવિધાનિક સુરક્ષા આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ આશ્વાસનને છ વર્ષ વહી ગયાં હોવા છતાં આ વચનો પૂરાં નથી કરવામાં આવ્યાં એટલે યુવાનોએ ગુસ્સો રસ્તા પર પ્રદર્શન કરીને કાઢ્યો હતો. સ્ટુડન્ટ્સે ઠેર-ઠેર પ્રદર્શન કર્યું હતું અને હવે આંદોલન ઑર વેગ પકડી રહ્યું છે.
સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ આંદોલન આવનારા સમયમાં વ્યાપક સ્વરૂપ લઈ શકે છે. વિદ્યાર્થીઓની સાથે યુવાનો અને આમજનતા પણ સક્રિય થઈ રહી છે જે આવનારા સમયમાં ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે.
શું થયું હતું?
માગણીઓને લઈને ૧૦ સપ્ટેમ્બરથી ભૂખહડતાળ ચાલી રહી હતી જેમાં સોમન વાંગચુક સહિત ૧૫ લોકો સામેલ હતા. મંગળવારે રાતે બે પ્રદર્શનકારીઓની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા એને પગલે યુવાનો ગુસ્સે ભરાયા હતા.
બુધવારે સવારે લેહમાં લદ્દાખ ઍપેક્સ બૉડી (LAB) સંસ્થાની યુવા શાખાએ સંપૂર્ણ બંધની જાહેરાત કરી હતી.
બંધના માહોલમાં સેંકડો યુવાનો, ખાસ કરીને વિદ્યાર્થીઓ લેહના રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને લદ્દાખને સ્વતંત્ર રાજ્ય બનાવવા અને છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવા માટે નારા લગાવીને
લદ્દાખ ઑટોનૉમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) કાર્યાલય તરફ આગળ ધપ્યા હતા.
પોલીસે તેમને રોકવાની કોશિશ કરતાં યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ BJPની ઑફિસ પર પહેલાં તોડફોડ કરીને પછી આગ લગાવી દીધી હતી.
પોલીસે આંસુ ગૅસ અને લાઠીચાર્જ કરીને ભીડને વિખેરવાની કોશિશ કરી હતી. એમાં ઘણા યુવાનો ઘાયલ થયા હતા.
કેટલાક સમુદાયોએ આ હિંસક પ્રોટેસ્ટને પગલે ગુરુવારે લેહ સંપૂર્ણ બંધ રાખવાનું જાહેર કર્યું હતું.
ઉશ્કેરાયેલા ટોળાએ સળગાવી દીધેલું CRPFનું વાહન.
સોનમ વાંગચુકનો શાંતિ-સંદેશ
બપોરે બે વાગ્યે યુવાનોની ભડકેલી આગને શાંત કરવા માટે વિરોધ-પ્રદર્શનના નેતા સોનમ વાંગચુકે વિડિયો-સંદેશ જાહેર કરીને યુવાનોને કહ્યું હતું કે ‘મને બહુ દુખ છે કે લેહમાં તોડફોડ થઈ. ઑફિસો અને પોલીસની ગાડીઓ સળગાવવામાં આવી. આ યુવાનોનો ગુસ્સો હતો. એક રીતે જોઈએ તો જેન-ઝી રેવલ્યુશન. જોકે હિંસા આપણી માગણીને નબળી પાડે છે.’ તેમણે ૧૫ દિવસની ભૂખહડતાળને સમાપ્ત જાહેર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આ બકવાસ બંધ કરો. આપણો ઉદ્દેશ શાંતિથી પૂરો થશે.’ તેમની આ પોસ્ટને હજારો લાઇક્સ મળી હતી.
લદ્દાખની મુખ્ય ડિમાન્ડ શું છે?
૧. પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે જેથી શાસકીય સ્વતંત્રતા અને નિયંત્રણ રહે.
૨. છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરીને લદ્દાખની જનજાતીય સ્વાયત્તતા, ભૂમિ-સુરક્ષા અને સંસ્કૃતિનું સંરક્ષણ થાય.
૩. બે અલગ લોકસભા સીટો મળે : એક લેહ અને બીજી કારગિલ.
ભારતીય સંવિધાનમાં છઠ્ઠી અનુસૂચિ શું છે?
સંવિધાન મુજબ છઠ્ઠી અનુસૂચિ પૂર્વોત્તર રાજ્યો જેવાં કે આસામ, મેઘાલય, અરુણાચલમાં જનજાતીય ક્ષેત્રોને સ્વાયત્તતા આપે છે. આવી સ્વાયત્તતાથી લદ્દાખની સાંસ્કૃતિક ઓળખ, ભૂમિ-અધિકાર અને પર્યાવરણ સંરક્ષણને મજબૂતી મળશે એવું માનવામાં આવે છે.