DD ન્યુઝનો લોગો હવે લાલના બદલે કેસરી રંગમાં દેખાશે

20 April, 2024 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ એપ્રિલથી લાગુ થયેલા નવા લોગોમાં હિન્દીમાં ન્યુઝ શબ્દ પણ લખવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સરકારી માલિકીના દૂરદર્શન (પ્રસાર ભારતી)એ એની હિન્દી સમાચાર ચૅનલ DD ન્યુઝના લોગોને લાલમાંથી કેસરી રંગનો કરી દીધો છે. ૧૬ એપ્રિલથી લાગુ થયેલા નવા લોગોમાં હિન્દીમાં ન્યુઝ શબ્દ પણ લખવામાં આવ્યો છે. ભારતના તિરંગામાં પણ ભગવો રંગ છે અને આ રંગ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે સંકળાયેલો છે. આ નવા પરિવર્તનની જાહેરાત કરતાં દૂરદર્શને એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે ઃ અમારાં મૂલ્યો એ જ છે, પણ તમે હવે અમને એક નવા રૂપમાં જોશો. પહેલાં ન જોયેલી સમાચારની યાત્રા માટે તૈયાર થઈ જાઓ. અનુભવ કરો તમામ નવા DD ન્યુઝના. આ બદલાવ કરવા અમારામાં હિંમત છે. ઝડપ સામે ચોકસાઈ, દાવા સામે હકીકત અને સનસનાટી સામે સત્ય; કારણ કે જો એ DD ન્યુઝ પર છે તો એ સત્ય હશે. DD ન્યુઝ, ભરોસા સચ કા. વિપક્ષો અને મીડિયા નિષ્ણાતોએ ચૅનલના લોગોના ભગવાકરણને લઈને સરકારની ટીકા કરી છે. સોશ્યલ મીડિયા પર પણ ઘણા યુઝર્સે લોગોનો રંગ બદલવાની ટીકા કરી છે. 

national news doordarshan india