કોરોનાને લીધે પિતાની છેલ્લી ઈચ્છા પુરી ન કરી શક્યોઃ અભિજીત મુખરજી

01 September, 2020 07:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને લીધે પિતાની છેલ્લી ઈચ્છા પુરી ન કરી શક્યોઃ અભિજીત મુખરજી

ફાઈલ તસવીર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મંગળવારે રાજકીય સન્માન સાથે લોધી સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તે પહેલા પ્રણવ મુખરજીના પાર્થિવ શરીરને આર્મી હૉસ્પિટલથી રાજાજી માર્ગ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. તેમના પુત્ર અને કૉંગ્રેસ નેતા અભિજીત મુખરજીએ તેમને અગ્નિદાહ આપ્યો હતો. અભિજીત મુખરજીએ ખૂબ જ પિડાની સાથે જણાવ્યું કે તે પિતાને બંગાળ લઈ જવા માગતા હતા પરંતુ આ ઈચ્છા અધૂરી જ રહી!

અભિજીત મુખરજીએ કહ્યું કે, તેમની ઉપસ્થિતિ અમારા કુટુંબ માટે મોટી વાત હતી જેને અમે યાદ રાખીશું. તેમનું કહેવું હતું કે કોરોના તેમની મોતનું કારણ નથી પરંતુ બ્રેન સર્જરીથી તબિયત બગડી હતી. અમે તેમને પશ્ચિમ બંગાળ લઈ જવા માગતા હતા પરંતુ કોરોના વાયરસને લીધે તે શક્ય ન બન્યું. જેનો હવે અફસોસ થાય છે.

અભિજીત મુખરજીએ ઉમેર્યું કે, મારી યોજના પશ્ચિમ બંગાળના જંગીપુરમાં પોતાના ઘરના એક માળને પિતાની યાદમાં મ્યુઝિયમ અને લાઈબ્રેરીમાં ફેરવવાની છે. મારી ઈચ્છા છે કે સરકાર પિતાના સન્માનમાં પોસ્ટ ટિકીટ જાહેર કરે. પિતા મને કહેતા કે રાજનીતિમાં કોઈની પણ સાથે બદલો લેવાથી બચવુ જોઈએ. તેમનો સંદેશ સ્પષ્ટ હતો જેને હું યાદ રાખીશ.

પ્રણવ મુખરજીનું નિધન થતા બાંગલાદેશે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. બાંગલાદેશની પીએમ શેખ હસીનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા જણાવ્યું કે, પ્રણવ મુખરજી બાંગલાદેશના ખરા મિત્ર હતા.

તેમની અંતિમ યાત્રા પહેલા સેનાના બેન્ડે ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. અંતિમ યાત્રામાં સુરક્ષાની વધુ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

pranab mukherjee national news