20 April, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)એ નેસ્કોની કૉન્સર્ટના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા એક નાઇજીરિયન નાગરિકની ખારમાંથી ધરપકડ કરીને દરોડા દરમ્યાન કરોડો રૂપિયાના કોકેનનો અને MDMA ગોળીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. નેસ્કો સેન્ટરમાં એક મ્યુઝિક કૉન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે યુવાનોનાં મૃત્યુ થયાં હતાં.
મુંબઈમાં હાઈ-પ્રોફાઇલ મ્યુઝિક ઇવેન્ટ્સની આસપાસ કાર્યરત શંકાસ્પદ ડ્રગ સપ્લાય નેટવર્ક પર ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે આ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે હવે આવી ઘટના ફરી ન બને એ માટે પગલાં લેવાનું નક્કી કર્યું છે. આવી કોઈ પણ ઇવેન્ટ હશે જ્યાં ૨૦૦૦ કરતાં વધુ યુવાનો આવવાના હશે તો એ સ્થળે પોલીસની ટીમ તહેનાત રહેશે એટલું જ નહીં, કેટલાક પોલીસ-કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં ડ્રગ્સનું વેચાણ કરનારાઓ પર નજર રાખશે.
છ કરોડ રૂપિયાની MDMA ગોળીઓ સાથે મહિલાની ધરપકડ
રવિવારે મુંબઈ પોલીસે ૬ કરોડ રૂપિયાની MDMAની ૫૦૦૦ ગોળીઓ અથવા એક્સ્ટસી જપ્ત કરી હતી અને ટિટવાલામાંથી ડ્રગ્સ ડિસ્ટ્રિબ્યુશન રૅકેટની એક મહિલા સભ્યની ધરપકડ કરી હતી. પોલીસ આરોપી મહિલાના મોબાઇલ ફોનના ડેટા અને સંપર્કોની તપાસ કરી રહી છે જેથી ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડી શકાય.
૨૦૦૦ કરતાં વધુ યુવાનો આવવાના હશે એવી ઇવેન્ટના સ્થળે પોલીસની ટીમ તહેનાત રહેશે એટલું જ નહીં, કેટલાક પોલીસ-કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં રહીને ડ્રગ્સનું વેચાણ કરનારાઓ પર નજર રાખશે.