27 September, 2023 09:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં G20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ‘ભારતની રેન્જનો કોઈ મુકાબલો ન કરી શકે. તમે કોઈ પણ તકને મામૂલી ન સમજો. અમે આવા જ અભિગમથી G20ને એટલી મોટી બનાવી હતી. ભારતની વિવિધતા અને લોકતંત્રએ G20ને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી, જે જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે. પરંતુ મને કોઈ આશ્ચર્ય નથી. આપણે દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છીએ. ભારતમાં રોકાણમાં ભારે વધારો થઈ રહ્યો છે. અમે નિકાસ અને આયાતનો નવો રેકૉર્ડ બનાવી રહ્યા છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં ૧૩ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.’
મોદીએ કહ્યું કે ‘આપણે મોબાઇલ ફોનના આયાત કરનારામાંથી નિકાસ કરનારા બની ગયા છીએ. મને ખબર છે ઘણા યુવકો પોતાનો ઉદ્યોગ કરવા માગે છે. આ બધું રાજકીય સ્થિરતા અને લોકતંત્રના કારણે થયું છે. ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા માટે અમે ઘણાં કામ કર્યાં છે. ૨૦૧૪ પહેલાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. દલાલોને રોકવા માટે અમે નવી ટેક્નૉલૉજી આધારિત સિસ્ટમ બનાવી છે. ખોટું કરનારાઓને સજા અને સાચાઓને ઇનામ આપીએ છીએ. હું હેરાન છું કે મારા પર આરોપ મુકાય છે, જો મોદી લોકોને જેલમાં નાખી રહ્યા છે. દેશનો માલ ચોરી કરનારાઓ સામે શું કરવું જોઈએ, શોધી-શોધીને જેલમાં મોકલવા જોઈએ કે નહીં? જે કામ તમે કરવા માગો છો એ હું કરી રહ્યો છું તો કેટલાક લોકો પરેશાન છે.’