30 October, 2021 03:11 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)
16મી G20 સમિટમાં ભાગ લેવા ઇટાલીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી અને ત્યારબાદ પીએમ મોદી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતમાં ભાગ લેવા માટે ત્યાંથી રવાના થયા હતાં.
જો કે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે શું થયું તે હજુ સુધી બહાર આવ્યું નથી. આ પહેલા વડાપ્રધાનના કાર્યક્રમો વિશે માહિતી આપતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પહેલા પોપ ફ્રાન્સિસને વ્યક્તિગત રીતે મળશે અને થોડા સમય બાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે.
શ્રિંગલાએ વધુમાં જણાવ્યું હતું કે વેટિકને વાટાઘાટો માટે કોઈ એજન્ડા નક્કી કર્યો નથી. હું માનું છું કે પરંપરા એ છે કે જ્યારે પોપ ફ્રાન્સિસ સાથે ચર્ચા થાય છે ત્યારે કોઈ એજન્ડા હોતો નથી અને અમે તેનું સન્માન કરીએ છીએ. મને ખાતરી છે કે આ સમય દરમિયાન અમે વૈશ્વિક પરિદ્રશ્ય પર સામાન્ય રીતે અને અમારા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચામાં સામેલ થઈશું.
વેટિકન ખાતે મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હતા.
વડા પ્રધાન વેટિકન સિટી સ્ટેટના રાજ્ય સચિવ કાર્ડિનલ પીટ્રો પેરોલિનને પણ મળ્યા હતા.
વિદેશ સચિવ હર્ષવર્ધને જણાવ્યું હતું કે પીએમ મોદી 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની મુલાકાતે જશે. PM મોદી 29 થી 31 ઓક્ટોબર દરમિયાન G-20 જૂથના દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રોમ (ઇટાલી)માં હશે, ત્યારબાદ 26મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP-26)માં વૈશ્વિક નેતાઓ સાથેની સમિટમાં ભાગ લેવા માટે ગ્લાસગો જશે.