03 August, 2025 11:40 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ડોનલ્ડ ટ્રમ્પના દાવા અને વિપક્ષના આરોપોનો આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો.
બે દિવસ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ડેડ ઇકૉનૉમી કહી હતી એનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જવાબ આપ્યો હતો. વારાણસીમાં એક જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે પોતાના ભાષણમાં ‘સ્વદેશી’ ઉત્પાદનો માટે હિમાયત કરી હતી.
વડા પ્રધાને પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા અને આતંકવાદી તત્ત્વોને ચેતવણી આપી હતી કે ‘તેઓ પાતાળલોકમાં આશ્રય લે તો પણ તેમને છોડવામાં આવશે નહીં. અન્યાય અને આતંક સામે મહાદેવ પોતાના ‘રુદ્ર રૂપ’માં આવે છે. ઑપરેશન સિંદૂર વખતે દુનિયાએ ભારતનો આ ચહેરો જોયો હતો.’
વિપક્ષો પર પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસ અને એના સાથી પક્ષો સતત આપણાં દળોની બહાદુરીનું અપમાન કરી રહ્યાં છે અને ઑપરેશન સિંદૂરને ‘તમાશા’ કહી રહ્યાં છે.
બીજું શું કહ્યું વડા પ્રધાને?
સરકાર દેશનાં હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી બધું કરી રહી છે. વૈશ્વિક અસ્થિરતાનું વાતાવરણ છે. બધા દેશો પોતાનાં વ્યક્તિગત હિતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને તેથી જ ભારતે પણ એનાં આર્થિક હિતો માટે સતર્ક રહેવું પડશે. જે લોકો દેશ માટે શ્રેષ્ઠ ઇચ્છે છે અને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે જોવા માગે છે, પછી ભલે તે કોઈ પણ રાજકીય પક્ષના હોય, તેમણે પોતાના મતભેદોને બાજુ પર રાખીને ‘સ્વદેશી’ ઉત્પાદનો માટે જ ભાર મૂકવો જોઈએ.