04 May, 2025 06:46 AM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં ૫૮,૦૦૦ કરોડ રૂપિયાની ૯૪ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં ૫૮,૦૦૦ કરોડ રૂપિયાની ૯૪ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં ગ્રીનફીલ્ડ રાજધાની અમરાવતીનું નિર્માણ ફરીથી શરૂ કરવાનું પણ સામેલ છે જે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
કાર્યક્રમને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આજે જ્યારે હું આ અમરાવતીની ધરતી પર ઊભો છું તો મને માત્ર એ એક શહેર નહીં પણ એક સપનું સાચું થતું દેખાઈ રહ્યું છે. એક નવું અમરાવતી અને એક નવું આંધ્ર. અમરાવતી એ ધરતી છે જ્યાં પરંપરા અને પ્રગતિ બન્ને સાથે ચાલે છે. આજે અહીં અંદાજિત ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યાં છે. અમારા ચંદ્રબાબુ નાયડુજીએ મને ટેક-સેવી કહ્યા, પરંતુ હું જણાવવા માગું છું કે જ્યારે હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે મેં હૈદરાબાદમાં તેમની કામ કરવાની રીતોને ખૂબ ધ્યાનથી જોઈ અને ઘણું બધું શીખ્યું. આજે મને એ બધું લાગુ કરવાનો મોકો મળ્યો છે. આંધ્ર પ્રદેશમાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. વિભાગો, શહેરો અને રાજ્યો વચ્ચે કનેક્ટિવિટીનો.’