17 June, 2025 08:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે પ્રાણીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA-પીટા) ઇન્ડિયાએ અમદાવાદ, બૅન્ગલોર, ભોપાલ, ચેન્નઈ, મુંબઈ અને નોએડામાં પીટા ઇન્ડિયાના આકર્ષક નવા બિલબોર્ડ દ્વારા એક સંદેશ આપવાની કોશિશ કરી હતી કે જો તમે શ્વાનનું દૂધ પીતા નથી તો અન્ય કોઈ પ્રજાતિનું દૂધ શા માટે પીવું જોઈએ? પ્લીઝ, વીગન ટ્રાય કરો.
જોકે પીટા ઇન્ડિયાનો આ અભિગમ ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યો નહોતો, તેમણે આ મુદ્દે સંસ્થાની આકરી ટીકા કરી હતી.
પીટા ઇન્ડિયાએ બિલબોર્ડનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘ડેરી-ઉત્પાદનમાં ક્રૂરતા છે, બળજબરીથી થતા ગર્ભાધાનથી લઈને વાછરડાઓને તેમની માતાઓથી અલગ કરવા સુધી. ગાય દૂધનું મશીન નથી, એનું દૂધ વાછરડાઓ માટે છે, માણસો માટે નહીં, ડેરી છોડો.’
આ મુદ્દે એક યુઝરે સોશ્યલ મીડિયામાં કમેન્ટમાં લખ્યું કે આ સંદેશ અલગ રીતે પહોંચાડી શકાયો હોત. આ બિલબોર્ડ નિશાન સંપૂર્ણપણે ચૂકી જાય છે.
એક યુઝરે તો લખ્યું હતું કે જે કોઈ પીટાની કૅમ્પેન-ટીમમાં છે તેને હંમેશ માટે આઉટ કરવાની જરૂર છે.
આને ઘૃણાસ્પદ જાહેરાત ગણાવીને એક યુઝરે લખ્યું હતું કે શાકાહારને પ્રોત્સાહન આપવાની બીજી ઘણી રીતો છે, આ એક નથી.