ધમાલ વચ્ચે સંસદમાં બે બિલ પાસ

07 August, 2025 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાજ્યસભામાં સમુદ્રમાર્ગે માલ પરિવહન વિધેયક ૨૦૨૫ અને લોકસભામાં મર્ચન્ટ શિપિંગ બિલ પસાર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યસભામાં વિપક્ષના વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે સંસદે ગઈ કાલે સમુદ્રમાર્ગે માલ પરિવહન વિધેયક ૨૦૨૫ પસાર કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ પર ટૂંકી ચર્ચા થઈ હતી.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના રાજ્યપ્રધાન શાંતનુ ઠાકુરે બિલ રજૂ કરતાં જણાવ્યું હતું કે આ બિલ ૧૦૦ વર્ષ જૂના સ્વતંત્રતા પહેલાંના ભારતીય માલસામાન વહન, સમુદ્રમાર્ગે માલ પરિવહન અધિનિયમ ૧૯૨૫ના સ્થાને લવાયું છે.

સરકારી નિવેદન અનુસાર આ બિલ જૂના કાયદાની ભાષા અને માળખાને સરળ બનાવે છે જે આ કાયદાના તમામ સ્ટેકહોલ્ડરો, ખાસ કરીને ભારતીય નિકાસકારો, આયાતકારો અને શિપિંગ વ્યાવસાયિકો માટે વધુ સુલભ બનાવે છે.

લોકસભામાં ગઈ કાલે મર્ચન્ટ શિપિંગ બિલ પસાર થયું હતું. વેપારી શિપિંગ જહાજોની માલિકી માટે પાત્રતાના માપદંડોને વિસ્તૃત કરવા અને દરિયાઈ જાનહાનિની તપાસ તથા પૂછપરછની જોગવાઈ કરતું આ બિલ ગઈ કાલે લોકસભામાં ટૂંકી ચર્ચા પછી પસાર કરવામાં આવ્યું હતું.

બિલ પસાર થતાંની સાથે જ વિપક્ષના સભ્યોના ઘોંઘાટભર્યા વિરોધ વચ્ચે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

મર્ચન્ટ શિપિંગ બિલ ૨૦૨૪ કેન્દ્ર સરકારને ભારતની અંદર અથવા દરિયાકાંઠાના પાણીમાં રાષ્ટ્રીયતા વિનાના જહાજને કબજે કરવાની અને અટકાયત કરવાની સત્તા આપે છે.

new delhi Rajya Sabha parliament indian government news Lok Sabha