19 August, 2025 12:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
ગઈ કાલે સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી થોડાક કલાકો માટે ચાલીને ફરી ઠપ થઈ ગઈ હતી. બિહારમાં SIR મુદ્દા પર વિપક્ષના વિરોધ વચ્ચે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની યાત્રા પર વિશેષ ચર્ચા અનિર્ણિત રહી હતી. ઇન્ડિયન પોર્ટ્સ બિલ, 2025 પસાર થયા બાદ ગઈ કાલે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી પણ દિવસભર માટે મુલતવી રાખવામાં આવી હતી. બિહારમાં મતદાર યાદી સુધારણા પર ચર્ચાની માગણી સાથે રાજ્યસભામાં વિપક્ષના સંસદસભ્યોએ ગઈ કાલે વૉકઆઉટ કર્યું હતું. લોકસભામાં ગઈ કાલે સવારે જન વિશ્વાસ (સુધારા) બિલ 2.0 રજૂ થયું હતું અને બિલ સિલેક્ટ કમિટીને મોકલી દેવામાં આવ્યું હતું.
રાષ્ટ્રગૌરવના મુદ્દા પર વિપક્ષે પક્ષીય રાજકારણથી ઉપર ઊઠવું જોઈતું હતું: રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે લોકસભામાં અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની યાત્રા પર ચર્ચા દરમિયાન વિરોધ માટે વિપક્ષની ઝાટકણી કાઢી હતી, જેના કારણે ગૃહ સ્થગિત થયું હતું. આ મુદ્દે રાજનાથ સિંહે કહ્યું હતું કે રાષ્ટ્રીય ગૌરવ અને સિદ્ધિ સાથે જોડાયેલા મુદ્દા પર પક્ષીય રાજકારણથી ઉપર ઊઠવું જોઈતું હતું.