20 April, 2025 02:59 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નિશિકાંત દુબે
વક્ફ (સંશોધન) અધિનિયમ 2025ને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે ત્યારે આ મામલે રાજકારણ તેજ થઈ ગયું છે. દેશના ઉપરાષ્ટ્રપતિ બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નિશિકાંત દુબેએ કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટ પોતાની હદની બહાર જઈ રહી છે. જો કાયદો બનાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે તો પછી સંસદ અને રાજ્યોની વિધાનસભા બંધ જ કરી દેવી જોઈએ. દેશમાં થઈ રહેલાં ગૃહયુદ્ધો માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જવાબદાર છે. અનુચ્છેદ 377માં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવતી હતી. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન સૌકોઈ માને છે કે સમલૈંગિકતા એ ગુનો છે, પણ સુપ્રીમ કોર્ટે કાયદો ખતમ કરી નાખ્યો. આર્ટિકલ 368 હેઠળ સંસદને કાયદો બનાવવાનો અધિકાર છે, જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે કાયદાની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. આર્ટિકલ 141 અનુસાર અમે જે કાયદા બનાવીશું એ નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાગુ થશે. જ્યારે રામમંદિર કે કૃષ્ણ જન્મભૂમિ કે પછી જ્ઞાનવાપીની વાત આવે ત્યારે કહો છો કે કાગળ બતાવો. મસ્જિદ પર વાત આવે ત્યારે કહો છે કે કાગળ ક્યાંથી બતાવશે? સુપ્રીમ કોર્ટ હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પૂછી રહી છે કે ખરડાઓના સંબંધમાં શું કરવાનું છે? ભારતના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ જ રાષ્ટ્રપતિ કરે છે તો તમે રાષ્ટ્રપતિને નિર્દેશ કઈ રીતે આપી શકો? સંસદ દેશ માટે કાયદા બનાવે છે, તમે સંસદને નિર્દેશ આપશો? આવા નવા કાયદા તમે ક્યારે બનાવી લીધા? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે? સીધો અર્થ છે કે તમે (સુપ્રીમ કોર્ટ) દેશને અરાજકતા તરફ લઈ જવા માગો છો. સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું.’