સીમા-સચિનની લવસ્ટોરી ‘ગદર’થી ઇન્સ્પાયર છે?

10 July, 2023 10:55 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

આ કપલે નેપાલમાં આ ફિલ્મ જોઈ અને મૅરેજ કરવાનો નિર્ણય કર્યો : આ પાકિસ્તાની મહિલા કહે છે કે ભારત મારો દેશ છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ભારતનો સચિન મીના અને પાકિસ્તાનની સીમા હૈદર હવે તેમની લવસ્ટોરીમાં એક નવી શરૂઆત કરવા આતુર છે. જામીન મળ્યા બાદ નવી દિલ્હીમાં જેલમાંથી તેઓ મુક્ત થયાં છે. સીમાની તેનાં ચાર બાળકો સાથે વાયા નેપાલ વિઝા વિના ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના આરોપસર ચોથી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સચિનને ઘૂસણખોરોને આશરો આપવા બદલ જેલમાં પૂરવામાં આવ્યો હતો.આ કપલના જણાવ્યા અનુસાર તેઓ ફિલ્મ ‘ગદર’થી ઇન્સ્પાયર થયાં હતાં. આ ફિલ્મમાં ઇન્ડિયન યુવક અને પાકિસ્તાની યુવતીની સરહદ પાર લવસ્ટોરી છે.
સચિને કહ્યું કે ‘અમે નેપાલમાં મળ્યાં હતાં અને એક હોટેલ બુક કરાવી હતી. ત્યાં અમે સાત દિવસ રહ્યાં હતાં. અહીં અમે મોબાઇલમાં ‘ગદર’ ફિલ્મ જોઈ હતી અને સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. એ પછી અમે મૅરેજ કરવાનો નિર્ણય લીધો હતો.’
સીમાએ કહ્યું કે ‘મેં આ ધર્મ સ્વીકાર્યો છે. મારા હસબન્ડ હિન્દુ છે એટલે હું હિન્દુ છું. દેશ પણ મારો થઈ ગયો છે. હવે હું ઇન્ડિયન છું. ફક્ત કાગળની કાર્યવાહી બાકી છે.’ આ કપલની લવસ્ટોરી કોઈ બૉલીવુડ ફિલ્મ જેટલી જ રસપ્રદ છે. તેઓ કોરોનાની મહામારી દરમ્યાન ઑનલાઇન ગેમ પબજી રમતી વખતે એકમેકના ટચમાં આવ્યાં હતાં. મે મહિનામાં સીમા વાયા દુબઈ નેપાલ પહોંચી હતી અને પોખરામાં થોડો સમય રહી હતી. એ પછી તેણે કાઠમાંડુથી દિલ્હી માટેની બસ પકડી અને ૧૩ મેએ તેનાં બાળકો સાથે ગ્રેટર નોએડા પહોંચી હતી, જ્યાં સચિને ભાડાના મકાનમાં તેને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. જોકે સીમાની ઓળખ તેણે છુપાવી હતી.

pakistan noida sunny deol national news uttar pradesh