12 February, 2026 06:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ગઈ કાલે કૉન્ગ્રેસના સંસદસભ્ય અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં બજેટસત્રની ચર્ચા દરમ્યાન ભારત-અમેરિકા ટ્રેડ-ડીલની ટીકા કરી હતી. તેમણે એપ્સટીન ફાઇલ્સ અને અદાણી પર અમેરિકામાં ચાલી રહેલા કેસનો ઉલ્લેખ કરીને આકરા આરોપો મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ભારતને વેચી નાખ્યું. તમે આપણી મા ભારત માતાને વેચી નાખી છે. સરકારને શરમ આવવી જોઈએ કે તેમણે ભારત માતાને વેચી નાખી છે. હવે અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ ખરીદવાનું છે, આપણા વડા પ્રધાન નિર્ણય નથી લેતા. જો આપણે અમેરિકા સાથે આત્મસન્માન સાથે ડીલ કરી હોત તો ટ્રમ્પને કહેત કે બરાબરી પર વાત થશે, અમે તમારા નોકર નથી, અમેરિકા નક્કી નહીં કરે કે ભારતે શું કરવાનું છે. હું જાણું છું કે વડા પ્રધાને કેમ ભારતને વેચી દીધું, કેમ કે ટ્રમ્પ તેમનું ગળું દબાવી રહ્યા છે અને અમે વડા પ્રધાનની આંખોમાં ડર સાફ જોઈ શકીએ છીએ.’
ખોટાં નિવેદનો કરીને સંસદને ગુમરાહ કરવા બદલ ભડકી ગયેલા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘આજ સુધી કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે ભારતને ખરીદી શકે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જ્યારે પણ સત્ર દરમ્યાન બોલવા દેવામાં આવે છે ત્યારે તેઓ સરકાર અને વડા પ્રધાન પર બેબુનિયાદ આરોપો લગાવે છે. તેમણે કયા આધાર પર કહ્યું કે વડા પ્રધાને ભારત અને ભારતીય હિતોને વેચી નાખ્યાં છે? વિપક્ષ સદનમાં મનઘડંત અને પાયાવિહોણા આરોપો લગાવે છે એનાથી સદનની ગરિમા જોખમાય છે. વિપક્ષના નેતાએ સદનને ગુમરાહ કર્યું છે. ખોટાં નિવેદનો માટે માફી માગો, નહીંતર સરકાર તેમની સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવશે.’