ડેપ્યુટી સ્પીકરપદ માટે વિપક્ષી ગઠબંધન ફૈઝાબાદના સંસદસભ્યને મેદાનમાં ઉતારશે

01 July, 2024 08:19 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો આઇડિયા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીનો છે

અવધેશ પ્રસાદ

લોકસભામાં ડેપ્યુટી સ્પીકરપદ માટે તૃણમૂલ કૉન્ગ્રેસ, સમાજવાદી પાર્ટી અને કૉન્ગ્રેસ ફૈઝાબાદ લોકસભા મતદારસંઘમાં ચૂંટાઈ આવેલા અવધેશ પ્રસાદને ઊભો રાખવાની વિચારણા કરી રહ્યાં છે. ૭૮ વર્ષના અવધેશ પ્રસાદ દલિત છે, પણ તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અયોધ્યા વિસ્તાર ધરાવતી બિનઆરક્ષિત બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. આ હાઇ-પ્રોફાઇલ બેઠક પર તેઓ ૫૦,૦૦૦ મતના માર્જિનથી વિજયી થયા છે. અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો આઇડિયા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીનો છે. તેમણે તેમના ભત્રીજા અને પાર્ટીના મહામંત્રી અભિષેક બૅનરજી દ્વારા આ વાત વિપક્ષી ગઠબંધનના નેતાઓને પહોંચાડી છે. અવધેશ પ્રસાદને ઊભા રાખીને વિપક્ષી ગઠબંધન એક સ્ટ્રૉન્ગ મેસેજ આપવા માગે છે.

આ વાત એવા સમયે બહાર આવી છે જ્યારે કૉન્ગ્રેસ કેરલામાંથી ચૂંટાઈ આવેલા ૮ વખતના સંસદસભ્ય કે. સુરેશને વિપક્ષના ડેપ્યુટી સ્પીકરપદના ઉમેદવાર બનાવવાનું વિચારી રહી છે.

Lok Sabha samajwadi party congress national news india mamata banerjee