Operation Sindoor: ભારતની સ્ટ્રાઇકમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર બરબાદ, ૧૦ માર્યા ગયા

08 May, 2025 07:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: ભારતે કરેલી સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ૧૦ સભ્યો માર્યા ગયા; મૃતકોમાં પાકિસ્તાની આતંકવાદીના બહેન અને સાળો પણ છે; મસૂદ પરિવારમાં માતમ

મસૂદ અઝહરની ફાઇલ તસવીર

જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત (India)એ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે આતંકવાદનો ખાત્મો કરવા માટે રાફેલ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાન (Pakistan)માં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ સમગ્ર ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) નામ આપવામાં આવ્યું હતું. આ હુમલામાં આતંકવાદી મૌલાના જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના ચીફ મસૂદ અઝહર (Masood Azhar)ના ઠેકાણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા હતા (JeM Chief Masood Azhar’s 10 family members killed) અને તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ભારતીય સેના (Indian Army) દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’માં ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરનો આખો પરિવાર નાશ પામ્યો છે. તેના પરિવારના ૧૦ સભ્યો માર્યા ગયા છે. જેમાં તેની બહેન અને સાળીનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં નવ સ્થળોએ ૨૧ આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. આમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓને પસંદગીપૂર્વક નિશાન બનાવ્યા હતા.

આ હુમલામાં મસૂદ અઝહરને નુકસાન થયું હતું કે નહીં, આ અંગે હાલમાં કંઈ ચોક્કસ કહી શકાય નહીં. અહેવાલ મુજબ, ભારતીય સેનાએ મસૂદના ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો છે. આ હુમલા બાદ મસૂદ અઝહર ભાંગી પડ્યો છે. કારણકે તેના પરિવારના ૧૦ સભ્યો મૃત્યુ પામ્યા છે.

અહેવાલો અનુસાર, આ હુમલામાં મસૂદની મોટી બહેન, સાળી અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલાઓમાં મૌલાના કાશિફ, તેનો પરિવાર, મૌલાના અબ્દુલ રઉફની મોટી પુત્રી, પૌત્ર અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં પોતાના પરિવારના વિનાશ બાદ મસૂદ અઝહર ખૂબ જ નારાજ છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, તેણે કહ્યું છે કે તેનું બધું જ નાશ પામ્યું છે. તે ઇચ્છે છે કે તે પણ આ હુમલામાં મૃત્યુ પામ્યો હોત. તેના પરિવારના આટલા બધા સભ્યોને મારીને તેમના અંતિમ સંસ્કારમાં જોડાવવા કરતાં જો તે પોતે મૃત્યુ પામ્યો હોત તો સારું હોત.

સૂત્રોનું કહેવું છે કે, જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષિત હુમલા કર્યા ત્યારે આ બધા લોકો મરકઝ સંકુલમાં હાજર હતા. તે જૈશનું મુખ્ય તાલીમ અને ઓપરેશનલ મુખ્યાલય માનવામાં આવે છે, જ્યાં પુલવામા જેવા હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

કોણ છે મસૂદ અઝહર?

મસૂદ અઝહર એ જ આતંકવાદી છે જેને ૧૯૯૯ના કંદહાર વિમાન અપહરણની ઘટના પછી મુસાફરોની મુક્તિના બદલામાં મુક્ત કરવામાં આવ્યો હતો. તે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા છે. તેણે ૨૦૧૯માં પુલવામામાં CRPF કાફલા પર આતંકવાદી હુમલો કર્યો હતો. તે હુમલામાં ૪૦ સૈનિકો શહીદ થયા હતા. આ ઉપરાંત, તેણે દેશમાં ઘણા અન્ય આતંકવાદી હુમલાઓ કર્યા છે.

મસૂદ અઝહરના પરિવારમાં કોણ-કોણ છે?

મસૂદ અઝહરની પત્નીનું નામ શાઝિયા છે, બંનેને બે પુત્રો છે. મસૂદ અઝહરને કુલ પાંચ ભાઈઓ અને છ બહેનો છે. મોહમ્મદ તાહિર અનવર આતંકવાદી મસૂદનો મોટો ભાઈ છે, જ્યારે બીજા ભાઈનું નામ ઇબ્રાહિમ અઝહર છે. આ ઉપરાંત, અબ્દુલ રૌફ, તલ્હા સૈફ અને મોહમ્મદ અમ્મારના નામ આવે છે. મસૂદના આ બધા ભાઈઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ ઉપરાંત, તેના ઘણા પુત્રો પણ છે, જેમને આતંકવાદી તાલીમ શિબિરોમાં તાલીમ આપવામાં આવે છે. બહેનોની વાત કરીએ તો, મસૂદ અઝહરની એક બહેનનું નામ ઝહરા બીબી છે, જેના પતિનું નામ હાફિઝ જમીલ છે. બીજી બહેનનું નામ અબ્દા બીબી છે અને પતિનું નામ મોહમ્મદ તૈય્યુબ છે. આતંકવાદીની ત્રીજી બહેનનું નામ રાબિયા બીબી છે, જેનો પતિ અબ્દુલ રશીદ છે. આ બધી બહેનોના પતિ પણ ખતરનાક આતંકવાદી છે અને તેમનું કામ પણ નવી ભરતી કરવાનું છે.

operation sindoor pakistan terror attack Pahalgam Terror Attack india indian army indian air force national news news