ઑપરેશન સિંદૂરની પહેલી વરસી પર ત્રણે સેનાનો મહત્ત્વપૂર્ણ ખુલાસો

08 May, 2026 08:47 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ભારતે ૧૩ પાકિસ્તાની ઍરક્રાફ્ટ અને ૧૧ ઍરબેઝ નષ્ટ કર્યાં: ૬૫ ટકા સ્વદેશ હથિયારોથી પાકિસ્તાનનાં આતંકવાદી ઠેકાણાં પર હુમલા કર્યા

ઑપરેશન સિંદૂરની ઍનિવર્સરી નિમિત્તે ગઈ કાલે જયપુરમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા ભૂતપૂર્વ DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ડેપ્યુટી ચીફ ઑફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઝુબિલ એ. મીનવાલા, ઍર માર્શલ અવધેશ કુમાર અને વાઇસ ઍડ્‍મિરલ એ. એન. પ્રમોદ.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પહલગામમાં નિર્દોષ ટૂરિસ્ટો પર હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા બાદ પાકિસ્તાન સામે કરવામાં આવેલા ઑપરેશન સિંદૂરની પહેલી વરસીએ ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી હતી અને ખુલાસો કર્યો હતો કે ભારતે ૧૩ પાકિસ્તાની ઍરક્રાફ્ટ અને ૧૧ ઍર બેઝ નષ્ટ કર્યાં હતાં.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ઍર માર્શલ અવધેશ ભારતી અને વાઇસ ઍડ્મિરલ એ. એન. પ્રમોદે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે ‘આ ઑપરેશન આતંકવાદીઓ અને તેમના સમર્થકોના ઢાંચાના વિરોધમાં ભારતની દ્દઢ ઇચ્છાશક્તિનું પ્રતીક છે. ભારતે પાકિસ્તાનનાં ૧૩ વિમાનો તોડી પાડ્યાં હતાં, ૧૧ ઍરબેઝ નષ્ટ કર્યાં હતાં અને ૧૦૦થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા હતા.’

પહલગામમાં શહીદ થયેલા ૨૬ જણના પરિવારોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજીવ ઘઈએ કહ્યું હતું કે ‘આ ઑપરેશન ભારતના ઇતિહાસનું સૌથી મોટું ઑપરેશન હતું અને સરકારે સેનાને સ્પષ્ટ દિશાનિર્દેશ અને પ્રોફેશનલ ફ્રીડમ આપી હતી. આથી આખી કાર્યવાહી ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી હતી. ઑપરેશન દરમ્યાન ૬૫ ટકા હથિયારો સ્વદેશી હતાં, જે આત્મનિર્ભર ભારતની તાકાતને દર્શાવે છે. પાકિસ્તાનને મજબૂરીથી વાતચીત કરવા માટે આવવું પડ્યું હતું. ઑપરેશન સિંદૂર એ અંત નથી પણ નવી શરૂઆત છે.’

ઍર માર્શલ અવધેશ ભારતીએ કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરને સ્થગિત કરવામાં આવ્યું છે. ભારતીય સેનાની ફિલોસૉફી ‘જિયો ઔર જીને દો’ની છે. જો કોઈ અમારી શાંતિને કમજોરી સમજવાની ભૂલ કરશે તો અમે નિર્ણાયક કાર્યવાહી કરવા સમર્થ છીએ. હવે ભારતીય ઍરફોર્સ આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે.’

નૌકાદળના એ. એન. પ્રમોદે કહ્યું હતું કે ‘નૌકાદળે બૅટલ કૅરિયર ગ્રુપ, સબમરીન્સ અને અન્ય જહાજોને તહેનાત કર્યાં હતાં. પાકિસ્તાનના વેપારી માર્ગોને કન્ટ્રોલમાં લેવામાં આવ્યા હતા.’

આતંકવાદનાં મૂળ તોડનારા ૬ સ્તંભ સરકારે શૅર કર્યા

ઑપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારે ૬ વ્યૂહાત્મક સ્તંભોની રૂપરેખા આપી હતી. આતંકવાદ સામેના ૮૮ કલાકના ઑપરેશનમાં ૧૦૦થી વધારે આતંકવાદીઓનો નાશ થયો હતો અને પાકિસ્તાનની વાયુસેનાની ૨૦ ટકા સંપત્તિનો નાશ કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહીને લશ્કરી વ્યૂહરચનામાં એક મોટો ફેરફાર ગણાવવામાં આવ્યો હતો જે સક્રિય, આત્મનિર્ભર અને ઉચ્ચ ચોકસાઈવાળા સુરક્ષા-કામગીરીના નવા યુગની શરૂઆત દર્શાવે છે. 
સરકારે કહ્યું હતું કે આ ઑપરેશન ૬ સ્થંભો પર આધારિત હતું જેમાં નિયંત્રિત યુદ્ધ (પ્રવેશ કરો, દુશ્મનોનો નાશ કરો, બહાર નીકળો), આતંકવાદી નેટવર્ક પર હુમલો, લઘુતમ સ્થાનિક અસર, સ્વદેશી શસ્ત્રો પર નિર્ભરતા, નિર્ણાયક રાજકીય ઇચ્છાશક્તિ અને સમગ્ર રાષ્ટ્રનો અભિગમનો સમાવેશ હતો.
• નિયંત્રિત યુદ્ધ : પ્રવેશ કરો, દુશ્મનોનો નાશ કરો અને બહાર નીકળોની વ્યૂહરચના, જે પૂર્ણ સ્તરના યુદ્ધને બદલે લક્ષ્યાંકિત, ચોક્કસ હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
• આતંકવાદી નેટવર્ક્સ પર પ્રહાર : સીધી કાર્યવાહી જેણે લશ્કર-એ-તય્યબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા માળખા સહિત મુખ્ય આતંકવાદી કેન્દ્રોનો નાશ કર્યો.
• મહત્તમ નુકસાન, ન્યુનતમ અસર : દુશ્મનના માળખાને વધુ નુકસાન પહોંચાડવા માટે રચાયેલી વ્યૂહરચના, જ્યારે ઘરે ઓછામાં ઓછું કોલૅટરલ નુકસાન સુનિશ્ચિત કરવામાં આવે છે.
• સ્વદેશી શસ્ત્રો : આ કામગીરીમાં ભારતમાં નિર્મિત સંરક્ષણ-ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એમાં બ્રહ્મોસ મિસાઇલો, આકાશ વાયુ સંરક્ષણ-પ્રણાલીઓ અને તેજસ વિમાનનો સમાવેશ થાય છે જે ભારતની આત્મનિર્ભરતા પર પ્રકાશ પાડે છે.
• નિર્ણાયક રાજકીય ઇચ્છાશક્તિ : આ ઑપરેશનને મજબૂત, સ્પષ્ટ નેતૃત્વનું સમર્થન હતું જેનાથી સશસ્ત્ર દળોને ઝડપી નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી.
• સમગ્ર રાષ્ટ્રનો અભિગમ : આ ઑપરેશન ભારતીય સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ, ISRO, ખાનગી સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ અને નાગરિક વહીવટને સંડોવતો એક સંયુક્ત પ્રયાસ હતો.

national news inda operation sindoor pakistan indian army terror attack Pahalgam Terror Attack