આપણે પાકિસ્તાનનાં પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં

11 August, 2025 06:57 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન ઍરફોર્સના વડા ઍર ચીફ માર્શલ એ. પી. સિંહ તરફથી આ‍ૅપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને થયેલા નુકસાન વિશે પહેલી વાર સત્તાવાર નિવેદન

ગઈ કાલે બૅન્ગલોરમાં ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે એક લેક્ચરમાં ઑપરેશન સિંદૂરની સફળતાની વિગતો આપી હતી.

ઇન્ડિયન ઍરફોર્સના વડા ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનને થયેલા નુકસાન પર મોટો ખુલાસો કરતાં બૅન્ગલોરમાં આયોજિત એલ. એમ. કાત્રે લેક્ચર દરમ્યાન કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર હેઠળ ઇન્ડિયન ઍરફોર્સની ઍર ડિફેન્સ સર્ફેસ-ટુ-ઍર મિસાઇલ સિસ્ટમે પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક AWACS (ઍરબૉર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) વિમાનને તોડી પાડ્યું હતું. S-400 ઍર ડિફેન્સ સિસ્ટમે આ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યાં હતાં, જેમાં AEW&C/ELINT વિમાનને ૩૦૦ કિલોમીટરના અંતરથી નિશાન બનાવવામાં આવ્યું હતું.’

લક્ષ્યો પર સચોટ વાર

ઍર ચીફ માર્શલ સિંહે પહલગામ ઘટના પછી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીના પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘બધાં લક્ષ્યો પૂર્વનિર્ધારિત હતાં. બિલ્ડિંગોને ઓળખવામાં આવ્યાં હતાં અને સચોટ રીતે નિશાન બનાવવામાં આવ્યાં હતાં. હુમલા પહેલાં અને પછી સૅટેલાઇટ તસવીરોના આધારે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મિશનમાં ઇન્ટર સર્વિસિસ સંકલન અને અત્યાધુનિક શસ્ત્રપ્રણાલીને કારણે આ ઑપરેશન સફળ રહ્યું હતું અને દુશ્મનને ભારે નુકસાન થયું હતું.’

પહલગામનો જવાબ જરૂરી

પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં ઍર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ‘આપણે બધા જાણીએ છીએ કે પહલગામની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદી દેશને જવાબ આપવો જરૂરી હતો. આ સંદેશ ફક્ત લૉન્ચપૅડ સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ આતંકવાદી નેતૃત્વને પણ પડકારવો જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને અમે અન્ય એજન્સીઓ સાથે મળીને ૯ સ્થળોને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. આ કાર્યવાહીમાં બહાવલપુર અને મુરીદકે સ્થિત બે આતંકવાદી મુખ્યાલયોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.’  

S-400 બની ગેમ-ચેન્જર

પહેલી વાર ઇન્ડિયન ઍરફોર્સે ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનને થયેલા નુકસાન વિશે સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે. ઍર ચીફ માર્શલ એ. પી. સિંહે કહ્યું હતું કે ‘S-400 સિસ્ટમ તાજેતરમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવી હતી અને એ સમગ્ર કામગીરીમાં ગેમ-ચેન્જર સાબિત થઈ હતી. એની રેન્જે પાકિસ્તાની વિમાનોને ભારતીય સરહદની નજીક આવવા અને તેમના લાંબા અંતરના ગ્લાઇડ બૉમ્બનો ઉપયોગ કરતા અટકાવ્યા.’

operation sindoor india pakistan indian air force national news news ind pak tension