05 August, 2025 11:44 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ, યાસિર ઉર્ફે જિબ્રાન, અબુ હમઝા ઉર્ફે અફઘાન
ભારતની સુરક્ષા-એજન્સીઓએ પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરાયેલા બાયોમૅટ્રિક પુરાવા અને દસ્તાવેજોનો હવાલો આપીને જણાવ્યું હતું કે ૨૮ જુલાઈએ ‘ઑપરેશન મહાદેવ’માં ઠાર થયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. શ્રીનગરની બહાર હાથ ધરવામાં આવેલા ઑપરેશન મહાદેવમાં લશ્કર-એ-તય્યબા (LeT)ના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓએ બાવીસમી એપ્રિલે પહલગામની બૈસરન ઘાટીમાં નિર્દોષ ટૂરિસ્ટો પર અમાનવીય ગોળીબાર કર્યો હતો જેમાં ૨૬ જણે જીવ ગુમાવ્યા હતા. હુમલા બાદ આતંકવાદીઓ દાચીગામ-હરવન જંગલમાં છુપાયા હતા.
પાકિસ્તાનના નૅશનલ ડેટાબેઝ ઍન્ડ રજિસ્ટ્રેશન ઑથોરિટી (NADRA)માંથી બાયોમૅટ્રિક ડેટા, લૅમિનેટેડ વોટર સ્લિપ, ડિજિટલ સૅટેલાઇટ ફોન ડેટા અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લૉગ સહિત એકત્રિત કરાયેલા પુરાવાઓએ તેમની પાકિસ્તાની ઓળખ સ્થાપિત કરી છે. હુમલાખોરોમાં કોઈ સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થતો નથી.
આ મુદ્દે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલી વાર અમારી પાસે પાકિસ્તાની સરકાર દ્વારા અપાયેલા પાકિસ્તાની દસ્તાવેજો છે જે પહલગામ હુમલાખોરોની રાષ્ટ્રીયતા શંકાની બહાર સાબિત કરે છે.
મતદાર સ્લિપ મળી
સુલેમાન શાહ અને અબુ હમઝાના મૃતદેહમાંથી પાકિસ્તાનના ચૂંટણીપંચની બે લૅમિનેટેડ મતદાર સ્લિપ મળી આવી હતી. આ સ્લિપ અનુક્રમે લાહોર (NA-125) અને ગુજરાંવાલા (NA-79)ની મતદારયાદીઓને અનુરૂપ છે. અધિકારીઓએ ક્ષતિગ્રસ્ત સૅટેલાઇટ ફોનમાંથી એક માઇક્રો-SD કાર્ડ પણ મેળવ્યું હતું, જેમાં NADRA-લિન્ક્ડ સ્માર્ટ-ID ડેટા, ફિંગરપ્રિન્ટ્સ, ચહેરાના સ્કૅન અને ફૅમિલી ટ્રી મળી આવ્યાં હતાં. ચાંગા મંગા (કાસુર જિલ્લો) અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)ના રાવલકોટ નજીક કોઈયાન ગામમાં પુરુષોની નાગરિકતા અને સરનામાંની ચકાસણી કરવામાં આવી હતી.
કૅન્ડીલૅન્ડ અને ચૉકલેટ રૅપર્સ
આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં કરાચીમાં બનેલા કૅન્ડીલૅન્ડ અને ચોકોમેક્સ ચૉકલેટનાં રૅપરનો સમાવેશ છે. રૅપર પરના લૉટ-નંબરો મે ૨૦૨૪માં મુઝફ્ફરાબાદ મોકલવામાં આવેલા કન્સાઇનમેન્ટ સાથે મેળ ખાતા હતા.
મે મહિનામાં ઘૂસણખોરી કરી
આતંકવાદીઓએ મે મહિનામાં નૉર્થ કાશ્મીરના ગુરેઝ સેક્ટરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી. એજન્સીઓએ પાકિસ્તાની બાજુથી તેમના રેડિયો ચેક-ઇનનું રેકૉર્ડિંગ કર્યું હતું. ૨૧ એપ્રિલે ત્રણેય આતંકવાદીઓએ બૈસરનથી બે કિલોમીટર દૂર હિલ પાર્ક નજીક એક ઝૂંપડીમાં આશરો લીધો હતો. અટકાયતમાં લેવાયેલા બે સ્થાનિક લોકો પરવેઝ અને બશીર અહમદ જોથરે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેમણે બીજા દિવસે હત્યાકાંડને અંજામ આપતાં પહેલાં હુમલાખોરોને ખોરાક અને રાત્રિ-આશ્રય આપ્યો હતો. હુમલા પછી આતંકવાદીઓ દાચીગામ જંગલ તરફ ભાગી ગયા હતા, જ્યાં તેઓ એન્કાઉન્ટર સુધી છુપાયેલા રહ્યા હતા.
સૅટેલાઇટ ફોન
અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલો Huawei સૅટેલાઇટ ફોન (IMEI 86761204-XXXXXX) બાવીસમી એપ્રિલથી ૨૫ જુલાઈ વચ્ચે રાત્રે ઇનમારસેટ-4 F1 સૅટેલાઇટને સક્રિય રીતે પિંગ કરી રહ્યો હતો. એનાં સિગ્નલ આતંકવાદીઓના છુપાઈ જવાના સ્થાનથી હરવાન જંગલમાં ચાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સક્રિય જોવા મળ્યાં હતાં.
નમાઝ-એ-જનાઝા
૨૮ જુલાઈના એન્કાઉન્ટર પછી LeTના રાવલકોટ ચીફ રિઝવાન અનીસે માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોની મુલાકાત લીધી હતી અને ૨૯ જુલાઈએ ગૈબાના નમાઝ-એ-જનાઝા (ગેરહાજરીમાં અંતિમ સંસ્કાર)નું આયોજન કર્યું હતું. એનાં ફુટેજ આ કેસ પર ભારતના સત્તાવાર ડોઝિયરમાં ઉમેરવામાં આવ્યાં છે.
ત્રણ આતંકવાદીઓની ઓળખ
સુલેમાન શાહ ઉર્ફે ફૈઝલ જટ્ટ: A કૅટેગરીનો આતંકવાદી, મુખ્ય શૂટર અને માસ્ટરમાઇન્ડ
યાસિર ઉર્ફે જિબ્રાન: A ગ્રેડ કમાન્ડર અને ત્રીજો શૂટર
અબુ હમઝા ઉર્ફે અફઘાન : A ગ્રેડ કમાન્ડર અને બીજો બંદૂકધારી