30 July, 2025 06:58 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
આતંકવાદીઓ જંગલમાં આ રીતે નાનો ટેન્ટ બનાવીને રહેતા હતા.
પહલગામ અટૅક વખતે વપરાયેલો સેટેલાઈટ ફોન ૧૧ જુલાઈએ ફરી ઍક્ટિવ થયો અને આતંકવાદીઓ માટે કાળ બની ગયો
બે અઠવાડિયાં શોધખોળ ચાલી, ૨૬ જુલાઈએ ફોન દાચીગામ જંગલમાં ટ્રેસ થયો, થર્મલ ઇમૅજિંગથી જંગલમાં માણસો હોવાની ખાતરી મળી, ૨૮ જુલાઈએ સવારે જંગલમાં ટેન્ટ દેખાતાં જ ચાર પૅરા ટીમે હુમલો કરી ત્રણેયને ઠાર માર્યા
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના લિડવાસ પાસે ભારતીય સેનાએ ઑપરેશન મહાદેવ હાથ ધર્યું હતું. આ ઑપરેશનમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું હતું.
માર્યા ગયેલા આતંકવાદીઓમાં પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સુલેમાન શાહ ઉર્ફે હાશિમ મુસા પણ હતો. લશ્કર-એ-તય્યબાનો આતંકવાદી સુલેમાન શાહ પાકિસ્તાન આર્મીના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (SSG)નો ભૂતપૂર્વ કમાન્ડો પણ રહી ચૂક્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં એકની ઓળખ જિબ્રાન તરીકે થઈ હતી જે ગયા વર્ષે ઑક્ટોબરમાં સોનમર્ગ ટનલ પર થયેલા હુમલામાં સામેલ હતો. માર્યા ગયેલા ત્રીજા આતંકવાદીની ઓળખ હમઝા અફઘાની તરીકે થઈ હતી.
પહલગામ હુમલામાં વપરાયેલા સૅટેલાઇટ ફોન ફરી વપરાયા હોવાનું સિગ્નલ મળતાં જ સેનાએ ઑપરેશન હાથ ધર્યું હતું. ઇન્ટેલિજન્સ ઇન્પુટ મળતાં જ આ વિસ્તારમાં વધારાની સેના તહેનાત કરી દેવામાં આવી હતી.
સૌથી પહેલાં ભારતીય સેનાના ચિનાર કોર ડિવિઝને સવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ૨૮ જુલાઈએ સવારે આતંકવાદીઓ સાથે પહેલી મુઠભેડ લિડવાસ વિસ્તારમાં થઈ હતી. ઇન્ટેલિજન્સ ઇન્પુટ પર કામ કરીને સેનાએ હરવાનના મુલનાર વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી.
આતંકવાદીઓ એક નાનકડો કૅમ્પ બનાવીને ગાઢ જંગલની વચ્ચોવચ રહી રહ્યા હતા. આ કૅમ્પમાં એક કાર્બાઇન ગન, બે AK-47 રાઇફલ્સ, ૧૭ રાઇફલ ગ્રેનેડ્સ અને બીજાં હથિયારો પણ મળી આવ્યાં હતાં. આ આતંકવાદીઓ વધુ એક મોટા હુમલાનું આયોજન કરી રહ્યા હોવાની પણ શક્યતા સેનાએ વ્યક્ત કરી હતી.
ઘણા દિવસ પહેલાંથી તૈયારી
સેનાને એવી માહિતી મળી હતી કે આતંકવાદીઓ મહાદેવ પીક આસપાસનાં ગાઢ જંગલોમાં છુપાયેલા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં આતંકવાદીઓ વચ્ચેની શંકાસ્પદ વાતચીતના પુરાવા મળ્યા હતા. સેનાને આ વિસ્તારમાં ચાઇનીઝ અલ્ટ્રા રેડિયો કમ્યુનિકેશન ઍક્ટિવ હોવાની જાણકારી મળી ગઈ હતી. લશ્કર-એ-તય્યબા ગુપ્ત સંદેશની આપલે માટે ચીનના રેડિયો વાપરે છે. સેનાએ મોટા વિસ્તારમાંથી દાચીગામ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનું તારણ મેળવી લીધું હતું. ઑપરેશનની શરૂઆત કરતાં પહેલાં સેનાએ સળંગ ૧૪ દિવસ સુધી આતંકવાદીઓને શોધ્યા હતા.
કેમ આપ્યું ઑપરેશન મહાદેવ નામ
શ્રીનગર પાસેના ન્યુ થીડની નજીક મહાદેવ પીક આવેલી છે, ત્યાંનાં ગાઢ જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હતા. અહીં ઑપરેશન હાથ ધરાયું હોવાથી એને ઑપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. મહાદેવ પીકને સ્થાનિક લોકો પવિત્ર પણ માને છે અને ટ્રેકિંગ માટે પણ આ વિસ્તાર ખૂબ લોકપ્રિય છે. જબરવાન માઉન્ટેન રેન્જમાં મહાદેવ ટેકરી અત્યંત મહત્ત્વની છે. અત્યારે ભગવાન શિવનો પવિત્ર મહિનો શ્રાવણ પણ ચાલી રહ્યો છે અને અમરનાથ યાત્રા પણ ચાલી રહી છે. આ બધી બાબતોને લીધે આ ઑપરેશનનું નામ ઑપરેશન મહાદેવ અપાયું.