ગોલ્ડન ટેમ્પલ પર ખાલિસ્તાનતરફી સૂત્રોચ્ચાર

07 June, 2023 08:10 AM IST  |  Amritsar | Gujarati Mid-day Correspondent

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ખાલિસ્તાન ટાઇગર ફોર્સ સંબંધિત એક કેસમાં તપાસ માટે પંજાબ અને હરિયાણામાં દસ જગ્યાએ સર્ચ-ઑપરેશન પાર પાડ્યાં

અમ્રિતસરમાં ગઈ કાલે ઑપરેશન બ્લુ સ્ટારની ૩૯મી વરસી પર સુરક્ષા માટે તહેનાત પોલીસના જવાનો

ઑપરેશન બ્લુ સ્ટારની ૩૯મી વરસી પર અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ ખાતે ગઈ કાલે કેટલાક લોકો દ્વારા ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વિરોધ-પ્રદર્શન કરનારાઓના હાથમાં અલગતાવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાંવાલેનાં પોસ્ટર્સ હતાં.  

જૂન ૧૯૮૪માં ગોલ્ડન ટેમ્પલ કૉમ્પ્લેક્સમાંથી ઉગ્રવાદીઓનો સફાયો કરવા માટે ઇન્ડિયન આર્મી દ્વારા લૉન્ચ કરવામાં આવેલા ઑપરેશન બ્લુ સ્ટાર દરમ્યાન ભિંડરાંવાલે અને તેના હથિયારધારી ફૉલોઅર્સ માર્યા ગયા હતા. ગઈ કાલે અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલ ખાતે અને સમગ્ર શહેરમાં સુરક્ષા વધારવામાં આવી હતી.

દરમ્યાન નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગઈ કાલે પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ટાઇગર ફોર્સને સંબંધિત એક કેસમાં તપાસ માટે પંજાબ અને હરિયાણામાં દસ જગ્યાઓએ સર્ચ-ઑપરેશન પાર પાડ્યાં હતાં. આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન માટે ફન્ડ્સ એકત્ર કરવા તેમ જ સરહદ-પાર હથિયારો અને વિસ્ફોટકોના સ્મગલિંગના સંબંધમાં ઘડવામાં આવેલા અપરાધિક કાવતરાના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

golden temple amritsar punjab national news