18 September, 2025 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૂપુર બોરા
આસામના મુખ્ય પ્રધાનના સ્પેશ્યલ વિજિલન્સ સેલે ૨૦૧૯ના બૅચની આસામ સિવિલ સર્વિસિસ અધિકારી નૂપુર બોરાના ઘરેથી ૯૨ લાખ રૂપિયાથી વધુ રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યાં હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું કે ‘આસામના લઘુમતી પ્રભુત્વ ધરાવતા રેવન્યુ સર્કલમાં ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. હિન્દુઓની જમીન મુસ્લિમોને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ હોવા છતાં આ અધિકારી કથિત રીતે પૈસા લઈને જમીન ટ્રાન્સફર કરતી હોવાથી સરકારની નજરમાં હતી. અમે છ મહિનાથી તેની દિનચર્યાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તે બારપેટામાં સર્કલ ઑફિસર હતી ત્યારે બદલામાં પૈસા લઈને હિન્દુઓની જમીન મુસ્લિમોને ટ્રાન્સફર કરી રહી હતી અને એને કારણે અમે હવે તેની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ.’
સોમવારે વિજિલન્સ સેલે ૩૬ વર્ષની નૂપુર બોરા સાથે જોડાયેલાં ચાર સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા, જેમાં ગુવાહાટીમાં તેનું નિવાસસ્થાન અને બારપેટામાં તેણે ભાડે રાખેલા ઘરનો સમાવેશ થાય છે. ગુવાહાટીના નિવાસસ્થાન અને બારપેટાના ઘરમાંથી સોનાના દાગીના સાથે ૯૨,૫૦,૪૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. નૂપુર બોરાને કસ્ટડીમાં લેવામાં આવી છે.
નૂપુર બોરા કોણ છે?
મૂળ આસામના ગોલાઘાટ જિલ્લાની નૂપુર બોરા છ વર્ષથી સિવિલ સર્વન્ટ છે. જાન્યુઆરી ૨૦૧૯માં તેની નિમણૂક બાદ તેને કાર્બી આંગલોંગ જિલ્લામાં સહાયક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જૂન ૨૦૨૩માં તેની બદલી બારપેટા જિલ્લામાં સર્કલ ઑફિસર તરીકે કરવામાં આવી હતી. હાલમાં તે કામરૂપ જિલ્લાના ગોરોઈમારીમાં સર્કલ ઑફિસર તરીકે નિયુક્ત છે.