07 June, 2023 09:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઓડિશાના બાલાસોરમાં ગઈ કાલે અકસ્માતના સ્થળે સીબીઆઇના અધિકારી (તસવીર : એ.એન.આઇ.)
સીબીઆઇએ ઓડિશાના બાલાસોરમાં ટ્રેન-અકસ્માતને મામલે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેન્સની હાજરીને ડિટેક્ટ કરતી ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ સિસ્ટમની સાથે છેડછાડની શક્યતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ સીબીઆઇને તપાસ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે સીબીઆઇની પાસે રેલવેની કામગીરીના સંબંધમાં બહુ ખાસ નિપુણતા ન હોવાને કારણે કદાચ રેલવે સિક્યૉરિટી એક્સપર્ટ્સની મદદ મેળવવી પડશે. સીબીઆઈની ટીમમાં ફૉરેન્સિક એક્સપર્ટ્સ પણ સામેલ છે. સીબીઆઇ દ્વારા મેકૅનિકલ એરર, માનવીય ભૂલ અને ભાંગફોડ સહિત તમામ ઍન્ગલ્સથી તપાસ કરવામાં આવશે. દસ સભ્યોની સીબીઆઇ ટીમે ટ્રૅક્સ, સિગ્નલ રૂમનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને બહાનાગા બઝાર સ્ટેશન ખાતે રેલવે અધિકારીઓની સાથે વાતચીત કરી હતી. બહાનાગા બઝાર સ્ટેશન પાસે શુક્રવારે બૅન્ગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેનનો અકસ્માત થયો હતો.
ઓડિશા ટ્રેન ઍક્સિડન્ટ તૃણમૂલ કૉન્ગ્રેસનું કાવતરું હોવાનો આરોપ કેમ મૂકવામાં આવ્યો?
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન-અકસ્માતને લઈને રાજકારણ ગરમાયું છે, જેમાં રેલવેપ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. દરમ્યાન પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કૉન્ગ્રેસ પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું છે કે આ ટ્રેન-ઍક્સિડન્ટ એ તૃણમૂલ કૉન્ગ્રેસનું કાવતરું છે.
અધિકારીએ તૃણમૂલ પર પોલીસની મદદથી રેલવે અધિકારીઓના ફોન ટેપ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. વાસ્તવમાં તેમણે રેલવેના બે અધિકારીઓ વચ્ચેની વાતચીતની એક ઑડિયો-ક્લિપ સંબંધે આ વાત કહી હતી. તૃણમૂલ કૉન્ગ્રેસના લીડર કુણાલ ઘોષ દ્વારા આ ઑડિયો-ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે ‘તૃણમૂલના લીડર્સે સોશ્યલ મીડિયા પર આ ક્લિપ જોઈ હોય અને પોસ્ટ કરી હોય એ કેવી રીતે શક્ય બને. મને નથી લાગતું કે આ કૉલ રેલવેએ લીક કર્યો હોય. મને શંકા છે કે કલકત્તા પોલીસના કેટલાક અધિકારીઓએ જ એનું રેકૉર્ડિંગ કર્યું છે.’