✕

ડૉક્ટરો અને હૉસ્પિટલો પર હવે લગામ

16 October, 2026 07:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ખોટા રિવ્યુ કે ૧૦૦ ટકા ગૅરન્ટીવાળા દાવાઓ રજૂ કરવા પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

દરદીઓને આકર્ષવા માટે સોશ્યલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ પર વધી રહેલા ખોટા પ્રચારને રોકવા નૅશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા ડૉક્ટરો અને હૉસ્પિટલો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો મુજબ હવે કોઈ પણ ડૉક્ટર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને દરદીઓના ખોટા રિવ્યુ કે પ્રશંસાપત્રો બનાવી શકશે નહીં. 

કૉસ્મેટિક સર્જરી કે અન્ય સારવાર માટે પહેલાં અને પછીની (Before-After) તસવીરો શૅર કરવા પર પણ કડક પ્રતિબંધ મુકાયો છે, કારણ કે એનાથી દરદીઓમાં ખોટી અપેક્ષાઓ ઊભી થાય છે. આ ઉપરાંત કોઈ પણ બીમારીની સારવાર વિશે ૧૦૦ ટકા ગૅરન્ટીવાળા કે ચમત્કારિક દાવા કરવા પર પણ સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. કમિશને સ્પષ્ટ કર્યું હતું કે દરેક દરદીની શારીરિક સ્થિતિ અલગ હોય છે જેથી આવા દાવાઓ સંપૂર્ણપણે અનૈતિક ગણાશે. આ તમામ નિયમો માત્ર અખબારોની જાહેરાતો પૂરતા સીમિત નથી; ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર પણ સમાન રીતે લાગુ પડશે. 

ડૉક્ટરોએ સોશ્યલ મીડિયા પર માત્ર તથ્યો પર આધારિત જ માહિતી આપવાની રહેશે. આ મોટા નિર્ણયથી દરદીઓને સૌથી મોટો ફાયદો થશે, કારણ કે હવે તેઓ ભ્રામક જાહેરાતોનો શિકાર બનવાને બદલે સાચી માહિતીના આધારે યોગ્ય સારવાર વિશે પોતાનો અંતિમ નિર્ણય લઈ શકશે અને છેતરપિંડીથી ખૂબ જ સરળતાથી બચી જશે. મેડિકલ ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે નૅશનલ મેડિકલ કમિશનનું આ એક ઐતિહાસિક પગલું ગણી શકાય.

national news india social media cyber crime