હિજાબનો હિસાબ ઘૂંઘટથી : નીતીશ કુમાર પર ગુસ્સે થયેલી કૉન્ગ્રેસને BJPએ અશોક ગેહલોટનો વિડિયો બતાવ્યો

17 December, 2025 10:52 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

નીતીશ કુમારનો વિડિયો વાઇરલ થયા બાદ કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે આ વિડિયો શૅર કરીને ટીકા કરી હતી.

બંને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક મુસ્લિમ આયુષ ડૉક્ટર નુસરત પરવીનને તેનો અપૉઇન્ટમેન્ટ લેટર આપતી વખતે તેના ચહેરા પરનો હિજાબ હટાવી દીધો હતો એ મુદ્દે લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કૉન્ગ્રેસે નીતીશ કુમાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે. જોકે હવે નીતીશ કુમારની સાથી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) નીતીશ કુમારના બચાવમાં આવી છે અને એણે અશોક ગેહલોટને એક જૂનો વિડિયો બતાવીને જવાબ આપવાની કોશિશ કરી છે.

નીતીશ કુમારનો વિડિયો વાઇરલ થયા બાદ કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે આ વિડિયો શૅર કરીને ટીકા કરતાં લખ્યું હતું કે ‘બિહારમાં મુખ્ય પ્રધાને એક યુવતીનો હિજાબ જબરદસ્તીથી ખેંચી લીધો. સુરક્ષાકર્મીઓએ તે યુવતીને પાછળ ખેંચવી પડી. આટલી ઘટિયા હરકત પર સન્નાટો કેમ છે? એક મુખ્ય પ્રધાને આમ કર્યું છે છતાં કોઈ આક્રોશ નથી? ટીવી પર કોઈ ડિબેટ નથી? હદ છે.’
આ મુદ્દે BJPનાં પ્રવક્તા રાધિકા ખેડાએ શ્રીનેતને જવાબ આપતાં અશોક ગેહલોટનો વિડિયો શૅર કર્યો હતો, જેમાં અશોક ગેહલોટ એક મહિલાનો ઘૂંઘટ ઉઠાવી રહ્યા છે. એમાં ગેહલોટ કહી રહ્યા છે કે હવે જમાનો બદલાયો છે અને ઘૂંઘટ રાખવાની જરૂર નથી. એ જ વિડિયોમાં ગેહલોટ એક મુસ્લિમ મહિલા સાથે વાત કરે છે, તેણે હિજાબ પહેરેલો છે પણ તેને કંઈ કરતા નથી, તેના માથે હાથ પણ મૂકે છે. રાધિકા ખેડાએ સવાલ કર્યો છે કે ‘આ ઘટિયા હરકત વખતે તમે ક્યાં હતાં મૅડમ? ક્યાં છે અશોક ગેહલોટ પર તમારું અને રાહુલ ગાંધીનું આક્રોશભર્યું ટ્‍વિટ? એ વખતે જીભ પર દહીં જામી ગયું હતું કે આંગળીઓ પર તાળાં લાગી ગયા હતા શું? શું તમારા હાઈ કમાન્ડે આ માટે આખા હિન્દુ સમાજની માફી માગી હતી? રાઇટ્સ શું હિન્દુ મહિલાઓના હોતા નથી?’

national news india nitish kumar Ashok Gehlot bharatiya janata party congress political news