02 February, 2025 03:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દુલારી દેવીએ ગિફ્ટ કરેલી સાડીમાં ગઈ કાલે નિર્મલા સીતારમણ.
નિર્મલા સીતારમણે ગઈ કાલે સતત આઠમું બજેટ રજૂ કર્યું હતું. ૨૦૧૯થી ૨૦૨૫ સુધી તેમણે ૭ કેન્દ્રીય બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યાં છે. આ આઠેય બજેટ વખતે તેમણે કેવી સાડી પહેરી હતી એ જોઈ લો. ગઈ કાલે નિર્મલા સીતારમણે મધુબની આર્ટની સાડી પહેરી હતી જે તેમને ૨૦૨૧માં પદ્મશ્રી અવૉર્ડ મેળવનારાં દુલારી દેવીએ ગિફ્ટ કરી હતી. મધુબની કળા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દુલારી દેવીના કૌશલને સન્માન આપવા માટે સીતારમણે આ સાડી પહેરી હતી.
નાણાપ્રધાનને સાડી ગિફ્ટ કરનારાં દુલારીદેવીએ કહ્યું હતું કે ‘નિર્મલા સીતારમણ જ્યારે મિથિલા ચિત્રકળા સંસ્થાનમાં આવ્યાં હતાં ત્યારે મેં તેમને આ સાડી ગિફ્ટ આપી હતી. આ સાડી મેં બનાવી હતી અને એને બૅન્ગલોરી સિલ્ક કહેવામાં આવે છે. આ સાડી બનાવતાં મને એક મહિનાનો સમય લાગ્યો હતો. મેં તેમને આ સાડી બજેટના દિવસે પહેરવા માટે અનુરોધ કર્યો હતો. મને ખુશી છે કે તેમણે આ સાડી પહેરી છે. આ બિહાર અને દેશ માટે સન્માનની વાત છે.’
દેશનો મતલબ છે એના લોકો
નિર્મલા સીતારમણે તેલુગુ કવિની પંક્તિઓને ટાંકીને કહ્યું...
નિર્મલા સીતારમણે બજેટ-સ્પીચમાં પ્રખ્યાત તેલુગુ કવિ ગુરજાડ અપ્પારાવની પંક્તિઓ ક્વોટ કરી હતી. તેમણે બજેટ-સ્પીચની શરૂઆત આ કવિની કવિતા ‘દેસામુનુ પ્રેમીન્ચુમન્ના’ની પંક્તિઓ ‘દેસામાન્તે માટીકાડોયી, દેસામાન્તે મનુશુલોયી’થી કરી હતી, એનો અર્થ થતો હતો કે દેશ કોઈ જમીનનો ટુકડો નથી, દેશનો મતલબ છે એના લોકો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વખતે કોવિડ-19 વૅક્સિનેશન પ્રોગ્રામના લૉન્ચ વખતે આ જ કવિની કવિતા ક્વોટ કરી હતી જેનો મતલબ હતો કે બીજાઓની નિસ્વાર્થ ભાવથી મદદ કરવી.
આ કવિ સમાજસુધારક હતા અને મહિલાઓ સામે થતા ભેદભાવ સામે અવાજ ઉઠાવતા હતા.
અગાઉના બજેટમાં પણ નિર્મલા સીતારમણે આવી જ પંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો.