નીરવ મોદીએ હૉન્ગકૉન્ગમાં છુપાવી રાખી હતી કરોડોની સંપત્તિ, ઈડીએ જપ્ત કરી

23 July, 2022 09:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હીરાના આ ભાગેડુ વેપારીની હૉન્ગકૉન્ગસ્થિત કેટલીક કંપનીઓની ૨૫૩.૬૨ કરોડ રૂપિયાની બૅન્ક-ડિપોઝિટ્સ તેમ જ જેમ્સ અને જ્વેલરીને ટાંચમાં લેવામાં આવી

ફાઇલ તસવીર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગઈ કાલે જણાવ્યું હતું કે હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીની હૉન્ગકૉન્ગસ્થિત કેટલીક કંપનીઓની ૨૫૩.૬૨ કરોડ રૂપિયાની બૅન્ક ડિપોઝિટ્સ તેમ જ જેમ્સ અને જ્વેલરીને ટાંચમાં લેવામાં આવી છે.

ઈડીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે હૉન્ગકૉન્ગમાં નીરવ મોદીના ગ્રુપની કંપનીઓની કેટલીક મિલકતોની પ્રાઇવેટ વૉલ્ટ્સમાં રહેલી જેમ્સ અને જ્વેલરી તેમ જ અકાઉન્ટ્સમાં રહેલા બૅન્ક બેલેન્સ સ્વરૂપમાં ઓળખ થઈ હતી, જેને ત્યાં મેઇન્ટેન કરવામાં આવતા હતા. જેમને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ટાંચમાં લેવામાં આવ્યા હતા.

નીરવ મોદીનાં બૅન્ક અકાઉન્ટ્સમાં ૩૦.૯૮ મિલ્યન અમેરિકન ડૉલર (૨.૪૭ અબજ રૂપિયા) અને ૫.૭૫ મિલ્યન હૉન્ગકૉન્ગ ડૉલર (૫.૮૫ કરોડ રૂપિયા) હતા.

નીરવ મોદી અત્યારે યુકેની જેલમાં છે. બે અબજ અમેરિકન ડૉલર (૧૫૯.૭૩ અબજ રૂપિયા)ના પીએનબી ફ્રૉડ કેસના સંબંધમાં નીરવ મોદીને ભારતને સોંપવાની વિરુદ્ધની તેની અરજીને યુકેની અદાલતે ફગાવી દીધી છે. ઈડીએ જણાવ્યું હતું કે નીરવ મોદી ભારતને સોંપવાની પ્રક્રિયા લંડનમાં અંતિમ તબક્કામાં છે.

ઈડીના સ્ટેટમેન્ટમાં વધુ જણાવાયું છે કે નીરવ મોદી અને તેના સાથીઓની ૧૩૮૯ કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતોને જપ્ત કરવામાં આવી છે.

જપ્ત કરવામાં આવેલી કેટલીક પ્રૉપર્ટી નીરવ મોદીના કથિત ફ્રૉડનો ભોગ બનેલી બૅન્કોને ફિઝિકલી સોંપી દેવામાં આવી છે.

નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસી બન્ને આ કેસમાં મુખ્ય આરોપી છે. ડિસેમ્બર ૨૦૧૯માં નીરવ મોદીને મુંબઈની પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ કોર્ટ દ્વારા ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. એ જ વર્ષે લંડનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

2,650.07 કરોડ
અત્યાર સુધીમાં નીરવ મોદીની આટલા મૂલ્યની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે.

national news directorate of enforcement Nirav Modi