ન્યુઝ શોર્ટમાં: સાકીનાકામાં સ્ટન્ટબાજો બેફામ- એક બાઇક પર ૭ સવાર

19 December, 2025 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોની લોકોએ ખૂબ ટીકા કરી હતી અને સોશ્યલ મીડિયા પર મુંબઈ પોલીસને ટૅગ કરીને આ સ્ટન્ટબાજોને પાઠ ભણાવવાની માગણી કરી હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મુંબઈના સાકીનાકાનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં ૭ યુવાનોનું ગ્રુપ એક જ મોટરસાઇકલ પર સ્ટન્ટ કરતું જોવા મળ્યું હતું. આ સ્ટન્ટને લીધે સાંજના સમયના ભારે ટ્રાફિક વચ્ચે બીજાં વાહનોએ હેરાનગતિ ભોગવવી પડી હતી અને લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ આખી ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડિયોમાં એક યુવક લગભગ હવામાં લટકેલો છે. ટ્રાફિક વચ્ચે બૅલૅન્સ જાળવી રાખવા માટે તે બાઇક પર બેઠેલા બીજા યુવાનોને વળગેલો રહે છે એટલું જ નહીં, આ ગ્રુપની બાઇક પણ સ્પીડમાં ચાલી રહી હોવાનું તથા ટ્રાફિકના નિયમો તોડતી હોવાનું વિડિયોમાં જોવા મળે છે. આ વિડિયોની લોકોએ ખૂબ ટીકા કરી હતી અને સોશ્યલ મીડિયા પર મુંબઈ પોલીસને ટૅગ કરીને આ સ્ટન્ટબાજોને પાઠ ભણાવવાની માગણી કરી હતી.

હુતાત્મા ચોક પાસે યોજાઈ મરાઠી એકતા માટે કૂચ

ગઈ કાલે સવારે મરાઠી સ્ટડી સેન્ટર દ્વારા હુતાત્મા મેમોરિયલથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેડક્વૉર્ટર્સ સુધી એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સહભાગી થયેલા લોકોએ મરાઠી સ્કૂલોના સમર્થનમાં, મરાઠી ભાષાના સંરક્ષણ અને સ્થાનિક અધિકારોના રક્ષણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ માર્ચ દરમ્યાન જય મરાઠી અને જય મહારાષ્ટ્ર જેવા નારા ગુંજ્યા હતા. આયોજકોએ આ કૂચને મરાઠીભાષી નાગરિકો માટે એકતાનું આહવાન ગણાવી હતી.

ઍર-પૉલ્યુશન માટે મેટ્રો 2Bના કૉન્ટ્રૅક્ટરને શો-કૉઝ નોટિસ

બાંદરા-ઈસ્ટમાં મેટ્રો 2B પ્રોજેક્ટ-સાઇટ પર ઍર પૉલ્યુશન ગાઇડલાઇન્સનું પાલન ન કરવા બદલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કૉન્ટ્રૅક્ટરને શો-કૉઝ નોટિસ ફટકારી છે. આ નોટિસ પ્રમાણે ૪ ડિસેમ્બરે આ સાઇટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, પણ કૉન્ટ્રૅક્ટર તરફથી ગાઇડલાઇન્સ ફૉલો કરવામાં આવી હોય એવા અહેવાલ BMCને મળ્યા નહોતા. ઇન્સ્પેક્શન રિપોર્ટમાં પણ ગાઇડલાઇન્સ ફૉલો ન થતી હોવાનું જણાઈ આવ્યું હતું. BMCએ કૉન્ટ્રૅક્ટરને નોટિસ મળ્યાના ૩ દિવસની અંદર જવાબ આપવા જણાવ્યું છે. જવાબ નહીં મળે તો સાઇટ પર કામકાજ બંધ કરાવી દેવામાં આવી શકે છે.

ટ્રૅક્ટર લઈને પહોંચ્યાઉમેદવારી નોંધાવવા

સોલાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ઉમેદવાર અને કુશ્તીબાજ સની દેવકાતે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલમાં પહોંચ્યા હતા. ટ્રૅક્ટર પર શેરડીના સાંઠા લગાવીને ધોતિયું અને સાફામાં સજ્જ સની દેવકાતે ગઈ કાલે તેમની ઉમેદવારી નોંધાવવા નીકળ્યા ત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દુનિયા ઠંડીથી ઠૂંઠવાય છે ત્યારે દુબઈમાં પૂર જેવી સ્થિતિ

ગુરુવારે દુબઈમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો એને કારણે ઠેર-ઠેર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક હવામાન ખાતાએ દુબઈમાં આજે પણ ગઈ કાલ કરતાં વધુ ભારે વરસાદ પડવાની સંભાવના જતાવી હતી. અસ્થિર હવામાન, વીજળીના કડાકા અને ભારે વરસાદની સંભાવના જોતાં પ્રાઇવેટ સેક્ટરની ઑફિસોને વર્ક ફ્રૉમ હોમ કરવાની અને કામ વિના બહાર ન નીકળવાની તાકીદ કરી છે.

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં NIAએ કરી નવમી ધરપકડ

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ કેસમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે નવી દિલ્હીથી નવમા આરોપીની ધરપકડ કરી હતી. આરોપી યાસીન અહમદ ડાર જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે. તે ડૉ. ઉમર નબી અને મુફ્તી ઇરફાનનો ખૂબ નજીકનો સહયોગી હતો. યાસીન અહમદ ડાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો રહેવાસી છે. NIAની તપાસમાં ખબર પડી છે કે દિલ્હીમાં થયેલા કાર બૉમ્બ ધડાકાના ષડયંત્રમાં યાસીનની સક્રિય ભૂમિકા હતી. તેણે પણ ફિદાયીન હુમલા માટે કમિટમેન્ટ આપ્યું હતું.

mumbai news mumbai sakinaka Crime News mumbai police