News In Shorts: આજે સંસદમાં પહલગામ અટૅક અને ઑપરેશન સિંદૂર પર ચર્ચા

28 July, 2025 01:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

News In Shorts: રેલવેના ગ્રીન કોચને ગ્રીન સિગ્નલ, કૉન્ગોમાં ISનો હુમલો : ૩૪નાં મૃત્યુ, અને વધુ સમાચાર

ઑપરેશન સિંદૂરની ફાઈલ તસવીર

સંસદના ચોમાસુ સત્રનું પ્રથમ અઠવાડિયું સંપૂર્ણપણે ધોવાઈ ગયા બાદ આજથી કાર્યવાહી ફરી શરૂ થવાની છે. સંસદમાં આ અઠવાડિયે વિરોધ પક્ષો અને સત્તા પક્ષ અત્યંત મહત્ત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર થયા છે. ઑપરેશન સિંદૂર અને પહલગામ હુમલો સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા જામશે. ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ. જયશંકર આ મુદ્દાઓ પર સંસદમાં બોલશે અને જરૂર પડે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બોલી શકે છે. વિરોધ પક્ષો તરફથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ મોરચો સંભાળી શકે છે.

રેલવેના ગ્રીન કોચને ગ્રીન સિગ્નલ

ગઈ કાલે ચેન્નઈમાં હાઇડ્રોજન-ઊર્જાથી સંચાલિત રેલવે ટ્રેનના કોચનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ થયું હતું. દેશભરમાં રેલવે ઑપરેશન્સને ગ્રીન બનાવવાની દિશામાં અનેક સંશોધનો ચાલી રહ્યાં છે, એમાં હાઇડ્રોજન-ઊર્જાનો સફળ પ્રયોગ મોટી ઉપલબ્ધિ ગણાવાઈ રહી છે.

કૉન્ગોમાં ISનો હુમલો : ૩૪નાં મૃત્યુ

આફ્રિકામાં આવેલા કૉન્ગો દેશમાં ગઈ કાલે એક ચર્ચ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૩૪ લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક ઈજાગ્રસ્ત છે. ઇસ્લામિક સ્ટેટ (IS)નું સમર્થન ધરાવતા સંગઠનના કેટલાક આતંકવાદીઓએ પૂર્વ કૉન્ગોમાં આવેલા એક કૅથલિક ચર્ચ પરિસરમાં હુમલો કર્યો હતો અને સાથે કેટલાંક મકાન તથા દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. એક જ મહિનામાં આ સંગઠન દ્વારા કૉન્ગોમાં બીજો હુમલો કરવામાં આવ્યો છે.

થાઇલૅન્ડ-કમ્બોડિયા સીઝફાયર માટે તૈયાર

પાંચ દિવસના લોહિયાળ જંગ પછી થાઇલૅન્ડ અને કમ્બોડિયાએ ગઈ કાલે યુદ્ધવિરામ માટેના સંકેત આપ્યા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧,૬૮,૦૦૦થી વધુ લોકોએ પલાયન કર્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પના મધ્યસ્થીના પ્રયાસો અને મલેશિયાના વડા પ્રધાનના આમંત્રણ પછી બન્ને દેશોના નેતાઓએ સંવાદ માટે મલેશિયામાં મળવાની તૈયારી બતાવી છે. આ સંવાદમાં શાંતિવાર્તા અને યુદ્ધવિરામની શરતો સહિતના મુદ્દાઓની ચર્ચા થશે.

જ્યાં જુઓ ત્યાં ખાડા

બસ-ડેપો, બાંદરા (ઈસ્ટ). તસવીર : અતુલ કાંબળે, હિલ રોડ, બાંદરા (વેસ્ટ). તસવીર : અતુલ કાંબળે, પ્રતીક્ષા નગર, સાયન, તસવીર : કીર્તિ સુર્વે પરાડે

લોકોનો ડર ભગાવવા દાદીએ સાપને પકડીને ગળામાં પહેરી લીધો

ગઈ કાલે વાઇરલ થયેલા એક વિડિયોમાં પુણેના કાસર અંબોલી ગામમાં ૭૦ વર્ષનાં શકુંતલા સુતાર નામનાં દાદીએ આખું ગામ ગજવ્યું હતું. ઘરઆંગણે આવેલા ધામણ સાપને તેમણે એવી રીતે પકડીને રમાડ્યો હતો જાણે ગલૂડિયાને રમાડતાં હોય. સાપથી કંઈ ડરવાની જરૂર નથી એવું બતાવવા દાદીએ સાપને ગળામાં વીંટાળી દીધો હતો. સોશ્યલ મીડિયામાં આ વિડિયોએ ધૂમ મચાવી હતી અને લોકોએ દાદીને ‘ખતરોં કે ખિલાડી’ કહીને વધાવ્યાં હતાં.

રત્નાગિરિ જિલ્લામાં યોજાઈ બળદોને દોડાવવાની નાંગરણી રેસ

રત્નાગિરિ જિલ્લાના લાંજા તાલુકાના રિગંણે ગામમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે બળદની જોડી દોડાવવાની પરંપરાગત ‘નાંગરણી’ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ગઈ કાલે ૧૫૦ સ્પર્ધકો તેમના બળદોને લઈને ઊતર્યા હતા. આ સ્પર્ધાનું આ ત્રીજું વર્ષ હતું. ગ્રામ્યજીવનમાં ખેતી અને બળદનું મહત્ત્વ હોય છે ત્યારે વરસાદની સીઝનમાં આ રીતની સ્પર્ધાનું આયોજન કરાતું હોય છે. ખિલ્લારી અને દેશી એમ બળદની જાત પ્રમાણે બે વિભાગમાં આ સ્પર્ધા યોજાતી હોય છે. ગઈ કાલે​ પ્રથમ સ્થાને આવી રેસ જીતનાર બાબાસાહેબ ગાંધી​એ રેસ માત્ર ૧૭.૭ સેકન્ડમાં પૂરી કરી હતી. આજુબાજુનાં અનેક ગામના લોકો આ રેસ જોવા આવ્યા હતા અને હાકોટા-પડકારા સાથે તેમણે રેસનો આનંદ માણ્યો હતો. ‍તસવીરો : પ્રદીપ ધિવાર

વિષ્ણુ ભગવાનના મત્સ્યાવતારમાં પરળચા વિઘ્નહર્તા

પરેલના પોસ્ટ ગલ્લી સાર્વજનિક ઉત્સવ મંડળના પરળચા વિઘ્નહર્તાનું ગઈ કાલે આગમન થયું હતું. મંડળના સેક્રેટરી સુમિત યેરમે કહ્યું હતું કે આ વર્ષે મંડળનું ૬૦મું વર્ષ છે અને આ વર્ષે ગણપતિનું સ્વરૂપ વિષ્ણુ ભગવાનના દશ અવતારમાંથી પહેલા એવા મત્સ્યાવતારના સ્વરૂપનું રાખવામાં આવ્યું છે. મૂર્તિકાર​ સિદ્ધેશ દિઘોળેએ ૨૪ ફુટ ઊંચી આ મૂર્તિ તૈયાર કરી છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ સામાજિક સંદેશ આપી લોકોમાં જનજાગૃતિનું અભિયાન ચલાવાય છે. તસવીર : શાદાબ ખાન

ફાયર-બ્રિગેડે ટ્રેકિંગ કરતાં ખોવાઈ ગયેલા પાંચ ટીનેજરોને રસ્તો બતાવ્યો

મુંબ્રામાં આદિવાસી પાડા નજીક આવેલા પહાડ પર ટ્રેકિંગ માટે ગયેલા પાંચ ટીનેજર્સ રસ્તો ભૂલી ગયા હતા, જેમને ફાયર-બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમે મદદ કરીને સહીસલામત તળેટી સુધી પહોંચાડ્યા હતા. શનિવારે બપોરે ૩ વાગ્યે ૧૮ વર્ષના પાંચ ટીનેજર્સે ટ્રેકિંગ શરૂ કર્યું હતું. સાંજ પછી તેઓ પાછા ફરવાનો રસ્તો ભૂલી ગયા હતા. રાતે ૧૦.૨૨ વાગ્યે મુંબ્રા ફાયર-બ્રિગેડને જાણ થતાં ફાયર-બ્રિગેડની ટીમ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને સ્થાનિક પોલીસ તેમની મદદે પહોંચી હતી. રાતે ૧૧.૩૦ વાગ્યે બધા જ ટ્રેકર્સને તળેટી પર સહીસલામત પાછા લાવવામાં આવ્યા હતા. આ પાંચેય ટ્રેકર્સ મુંબ્રાના રહેવાસી છે.

ઘાટકોપરમાં નાયડુ કૉલોનીના એક બિલ્ડિંગમાં આગ, કોઈને ઈજા નહીં

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં આવેલી નાયડુ કૉલોનીના બિલ્ડિંગ-નંબર ૩૩૦ના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. રવિવારે બપોરે બે વાગ્યે એક ઘરમાં આગ લાગતાં રહેવાસીઓએ તાત્કાલિક પગલાં લીધાં હતાં જેને કારણે જાનહાનિ ટાળી શકાઈ હતી. ઘટનાની જાણ થતાં મુંબઈ ફાયર-બ્રિગેડ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ-કામગીરી કરી હતી. ૨.૪૩ વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવાઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ગોલમાલ ટાળવા રેલવેએ . કરોડ IRCTC યુઝર્સનાં ID બંધ કર્યાં

ભારતીય રેલવેએ ઑનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં થતા દુરુપયોગને સમાપ્ત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટિકિટિંગ કૉર્પોરેશન (IRCTC)ના ૨.૫ કરોડથી વધુ યુઝર આઇડેન્ટિટી (ID)ને નિષ્ક્રિય કરી દીધી છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે તત્કાલ ટિકિટ બુકિંગ માટે બનાવેલા નવા નિયમો વિશે ગૃહને માહિતી આપીને જણાવ્યું હતું કે દલાલો દ્વારા નકલી ટિકિટ બુકિંગને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

operation sindoor Pahalgam Terror Attack national news news parliament