News In Short: ભાગેડુ નીરવ મોદીએ ભારત પાછા ફરવું પડશે?

16 December, 2022 11:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૫૧ વર્ષના આ ડાયમન્ડ વેપારીની પંજાબ નૅશનલ બૅન્કમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી

નીરવ મોદી

ભાગેડુ નીરવ મોદીએ ભારત પાછા ફરવું પડશે?

લંડન/નવી દિલ્હી: ભારતમાં છેતરપિંડી અને મની લૉન્ડરિંગના આરોપી ભાગેડુ બિઝનેસમૅન નીરવ મોદીએ પોતાને ભારતને સોંપવાની વિરુદ્ધ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અંતિમ તક પણ ગુમાવી દીધી છે. તેની પાસે હવે બ્રિટનમાં કોઈ કાયદેસર વિકલ્પ બચ્યો નથી. જોકે હવે નીરવ બીજા કાનૂની ઉપાય અપનાવી શકે છે. 

તે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમાં અપીલ કરી શકે છે. એટલે નીરવ મોદી ભારતને સોંપાય એના માટેનો માર્ગ વધુ મોકળો જરૂર થયો છે, પરંતુ હજી કેટલીક અડચણો છે; જેને પાર કરવી જરૂરી છે. ૫૧ વર્ષના આ ડાયમન્ડ વેપારીની પંજાબ નૅશનલ બૅન્કમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં સંડોવણી હોવાની વિગતો બહાર આવે એની પહેલાં જ તે ૨૦૧૮માં ભારતમાંથી ભાગી ગયો હતો. તેણે ભારતને સોંપવાની વિરુદ્ધ તેની અરજીમાં દલીલ કરી હતી કે જો તેને ભારતને સોંપાશે તો તે સુસાઇડ કરે એવું ખૂબ જ જોખમ છે.

ભારતે પાકિસ્તાનને અરીસો બતાવ્યો

સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો તો બુધવારે ભારતે એને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે જણાવ્યું હતું કે ‘અલ-કાયદાના લીડર ઓસામા બિન લાદેનને આશરો આપનારા અને પાડોશી દેશની સંસદ પર હુમલો કરનારા દેશની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં ઉપદેશ આપવા માટેની શાખ નથી.’ વિદેશપ્રધાન જયશંકરે કહ્યું હતું કે ‘સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા મહામારી હોય કે ક્લાઇમેટ ચેન્જ, ઘર્ષણ હોય કે આતંકવાદ જેવા આપણા સમયના મુખ્ય પડકારોનો સામનો કેટલી અસરકારકતાથી કરવામાં આવે છે એના પર નિર્ભર રહે છે.’ નોંધપાત્ર છે કે પાકિસ્તાને લશ્કર-એ-તય્યબાના વડા હાફિઝ સઈદ પરના હુમલા માટે ભારતને દોષી ગણાવ્યું તો જયશંકરે દુનિયાને પાકિસ્તાનમાં ટેરર ફૅક્ટરીથી ફરી વાકેફ કરી. 

અગ્નિ-5 બૅલેસ્ટિક મિસાઇલનું સફળતા રાત્રિ પરીક્ષણ

નવી દિલ્હી : ડિફેન્સ સેક્ટરમાં ભારત સતત આધુનિક હથિયાર સામેલ કરી રહ્યું છે. ભારતે ગઈ કાલે ઓડિશાના કાંઠે પરમાણુ શસ્ત્રોથી પ્રહાર કરવા સક્ષમ અગ્નિ-5 બૅલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક રાત્રિ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ૫૦૦૦ કિલોમીટરથી પણ વધુ અંતરે રહેલા ટાર્ગેટ પર પ્રહાર કરી શકે છે. આ પરીક્ષણ આ મિસાઇલમાં રહેલી નવી ટેક્નૉલૉજી અને ઇક્વિપમેન્ટ બિલકુલ અસરકારક હોવાની વાતને સમર્થન માટે કરવામાં આવ્યું હતું. જરૂર પડે તો અગ્નિ-5 મિસાઇલની રેન્જ વધારી શકાય છે.

ગુજરાત વિધાનસભાના પચીસમા અધ્યક્ષ શંકર ચૌધરી

અમદાવાદ : ઉત્તર ગુજરાતના શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના ૨૫મા અધ્યક્ષ બનશે અને જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ બનશે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનાં નામ નક્કી કરવામાં આવ્યાં છે, જેમાં અધ્યક્ષ તરીકે ઉત્તર ગુજરાતની થરાદ બેઠક પરથી ચૂંટણી જીતેલા શંકર ચૌધરીને અને શહેરા બેઠક પરથી વિજેતા બનેલા જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ તરીકે નક્કી કર્યા છે. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરીનું નામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચર્ચાઈ રહ્યું હતું. 

અહીં જ્યાં જુઓ ત્યાં વિનાશ

અમેરિકાના લુઇઝિયાનાના કિલ્લોનામાં વાવાઝોડામાં નુકસાનગ્રસ્ત વાહનો અને મકાનો. લુઇઝિયાનામાં વાવાઝોડામાં ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં.

national news Nirav Modi pakistan united nations Gujarat BJP