ન્યૂઝ શોર્ટમાં: મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું, પણ બધે પહોંચવામાં મોડું થવાનું છે

08 June, 2026 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદર્ભ અને ખાનદેશમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી કરતાં વધુ રહેશે, જ્યારે મરાઠવાડામાં એ ૩૫-૪૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. 

ગઈ કાલે મહારાષ્ટ્રના સાંગલીમાં ભારે વરસાદ પડ્યો હતો.

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગરમીમાં હેરાન થઈ રહેલા મુંબઈગરા સહિત રાજ્યના લોકો મૉન્સૂનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સત્તાવાર રીતે તો સાઉથ-વેસ્ટ મૉન્સૂન મહારાષ્ટ્રમાં ૬ જૂને જ દાખલ થઈ ગયું છે. સિંદુદુર્ગ અને રત્નાગિરિમાં ૯ જૂન સુધીમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે, પણ એ પછી એનું જોર ઓછું થઈ જશે અને એ રાજ્યમાં અન્યત્ર મોડું દાખલ થશે એવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. આ સમયગાળામાં સમાધાનકારક વરસાદ પડવાની શક્યતા ઓછી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મૉન્સૂન લંબાવાને કારણે વાવણી લંબાશે અને ૧૫ જૂન સુધી તો એવો વરસાદ પડવાનો પણ નથી એટલે ખેડૂતોએ ઉતાવળ કરવી નહીં. હાલના વર્તારા મુજબ ૧૨ જૂન સુધી મિનિમમ તાપમાન ઊંચું જ રહેશે. વિદર્ભ અને ખાનદેશમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી કરતાં વધુ રહેશે, જ્યારે મરાઠવાડામાં એ ૩૫-૪૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. 

ઘરે બહુ ગરમી થાય છે એટલે અહીં સૂઈએ છીએ

ભાઈંદર-ઈસ્ટમાં એક ઓપન ગ્રાઉન્ડમાં કપડું, ચાદર પાથરીને સૂઈ રહેલા પરપ્રાંતીય મજૂરોનો ‌વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. ભાઈંદર-ઈસ્ટમાં આવેલા ગ્રાઉન્ડમાં ૫૦થી વધુ મજૂરો સૂતા છે એ વિડિયોમાં દેખાય છે અને તેઓ ગરમીથી બચવા માટે તેમણે ભાડા પર લીધેલા ઘરને બદલે બહાર સૂતા હોવાનું જણાવે છે. ખુલ્લામાં સૂઈ રહેલા મોટા ભાગના મજૂર ઉત્તર પ્રદેશથી આવ્યા હોવાનું વ્યક્તિ વિડિયો લેનારાને જણાવે છે. તે પોતે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર તરીકે કામ કરે છે અને તેની સાથે સૂતેલા અન્ય મજૂરો પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે એમ તે મજૂર જણાવે છે. આ વિડિયોનો ઇન્ટરનેટ પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમુક લોકોએ બહાર સૂવા મજબૂર મજૂરો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી, જ્યારે અમુક લોકોએ તેઓ પોતાના વતન કેમ નથી ચાલ્યા જતા એવો પ્રશ્ન કર્યો હતો.

ગુરુગ્રામમાં ૬.૧૭ લાખ ચોરસફુટની ઑફિસ-સ્પેસ માટે પાંચ વર્ષમાં ૬૭૧ કરોડ રૂપિયા ભાડું આપશે ગૂગલ

ટેક્નૉલૉજી જાયન્ટ ગૂગલે દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં પાંચ વર્ષ માટે લગભગ ૬૭૧ કરોડ રૂપિયામાં ઑફિસ-સ્પેસ ભાડે લીધી છે. DLF એટ્રિયમ પ્લેસ ટાવર 1માં ૬.૧૭ લાખ ચોરસફુટમાં ફેલાયેલી આ જગ્યા કમર્શિયલ ટાવરના બીજાથી સોળમા માળ સુધી ફેલાયેલી છે.આ ઑફિસ-સ્પેસ એટ્રિયમ પ્લેસ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી લીઝ પર લેવામાં આવી છે. દસ્તાવેજો દર્શાવે છે કે નવી લીઝ ૨૦૨૫ની પહેલી ઑક્ટોબરે શરૂ થઈ હતી. કરાર હેઠળ ગૂગલ પ્રતિ ચોરસફુટ ૧૭૧ રૂપિયાના લીઝદરે લગભગ ૧૦.૫૫ કરોડ રૂપિયાનું માસિક ભાડું ચૂકવશે. કંપનીએ ૬૩.૬૫ કરોડ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ પણ જમા કરાવી છે. એપ્રિલ ૨૦૨૬માં નોંધાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે લીઝમાં દર ૩ વર્ષે ૧૫ ટકાનો ભાડા ભાડાવધારો સામેલ છે.

રાજસ્થાનમાં ઝેરી કેમિકલનો કહેર : ખેતરોમાં પેસ્ટિસાઇડ્સથી બે વર્ષમાં ૫૩૫ ખેડૂતોનાં મોત

રાજસ્થાન વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ રાજ્યમાં રાસાયણિક ખેતીની ભયાનક વાસ્તવિકતા સામે આવી છે. જાન્યુઆરી ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ખેતરોમાં ઝેરી પેસ્ટિસાઇડ્સ અને કેમિકલના છંટકાવ વખતે સંપર્કમાં આવવાથી ૫૩૫ ખેડૂતોનાં કરુણ મોત થયાં છે. બીકાનેરમાં સૌથી વધુ ૫૭ અને ચુરુમાં ૫૬ ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે.આ સમયગાળા દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને કુલ ૫.૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. જોકે જિલ્લાઓ વચ્ચે વળતરની વહેંચણીમાં મોટી વિસંગતતા સામે આવી છે. આ ઉપરાંત ગુણવત્તા ચકાસણીમાં પેસ્ટિસાઇડ્સનાં ૫૫૨૧ સૅમ્પલમાંથી ૧૮૯ સૅમ્પલ હલકી ગુણવત્તાનાં સાબિત થયા છે, જેને પગલે ૨૮૨ નોટિસ ફટકારીને બાવીસ લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે.
 

અભિજિત દીપકે પહોંચ્યો ઘરે, આરતી ઉતારીને અને હાર પહેરાવીને થયું સ્વાગત

દિલ્હીના જંતરમંતરમાં શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગતા આંદોલનમાં ભાગ લીધા પછી કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)નો સ્થાપક અભિજિત દીપકે રવિવારે છત્રપતિ સંભાજીનગરના વાળુજમાં આવેલા તેના ઘરે પહોંચ્યો હતો અને માતા-પિતાને મળ્યો હતો. ત્યાં તેનું આરતી ઉતારીને અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિજિતની મમ્મી તેને ગળે મળે છે અને તેના પિતા તેને હાર પહેરાવે છે એ વિડિયો પણ ઇન્ટરનેટ પર ફરતો થયો હતો. અભિજિત દીપકેના કુટુંબને મળેલી કથિત ધમકીઓના પગલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અભિજિત દીપકેએ છત્રપતિ સંભાજીનગરમાં પ્રેસ-કૉન્ફરન્સ પણ યોજી હતી જેમાં તેણે સરકારની ટીકા કરીને છેલ્લા એક દાયકાથી ભારતમાં રાજકારણ હિન્દુ અને મુસ્લિમના એજન્ડા પર ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ કરીને બેરોજગારી જેવા મુદ્દા પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન ઉઠાવ્યા હતા. 

આ લડાઈ અહીં નહીં પતે : અભિજિત દીપકે
અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે ‘દેશમાં છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી હિન્દુ અને મુસ્લિમનો મુદ્દો ચાલે છે જેનાથી નોકરીઓ નથી મળવાની. આપણે આપણું ફોકસ બદલવું પડશે અને સરકારની પ્રાથમિકતાઓ પણ બદલાવી જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે ત્યાર પછી અમે એજ્યુકેશન સિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે એજન્ડા તૈયાર કરીશું. આ લડાઈ અહીં પૂરી નહીં થાય, કારણ કે દેશમાં બેરોજગારી એ સળગતો પ્રશ્ન છે.’

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra indian meteorological department monsoon news mumbai monsoon mumbai rains