10 August, 2025 01:49 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
રક્ષાબંધનના પર્વે હિમાચલ પ્રદેશના ગવર્નર શિવ પ્રતાપ શુક્લાએ ગઈ કાલે રાજભવન ખાતે એક ખાસ યજ્ઞનું આયોજન કર્યું હતું
રક્ષાબંધનના પર્વે હિમાચલ પ્રદેશના ગવર્નર શિવ પ્રતાપ શુક્લાએ ગઈ કાલે રાજભવન ખાતે એક ખાસ યજ્ઞનું આયોજન કર્યું હતું. એમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દેશના અન્ય ભાગોમાં પૂર-ભૂસ્ખલન સહિતની કુદરતી આફતોને રોકવા માટે અને તાજેતરની આફતોમાં જીવ ગુમાવનારા લોકોના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રાજધાની દિલ્હીમાં રક્ષાબંધનના દિવસે ત્રણ હત્યાઓથી સનસનાટી મચી ગઈ હતી. કરાવલ નગરમાં પ્રદીપ નામની વ્યક્તિએ ૨૮ વર્ષની તેની પત્ની જયશ્રી અને પાંચ તથા સાત વર્ષની બે દીકરીઓ નીતુ અને અંશિકાની હત્યા કરી હતી. ત્યાર બાદ તે ઘરેથી નાસી ગયો હતો. પોલીસને આ ઘટનાની જાણ ગઈ કાલે સવારે ૭.૧૫ વાગ્યે થઈ હતી. ભારે દેવા અને આર્થિક સંકટને કારણે તેણે આ ગુનો કર્યો હોવાની શંકા છે. પ્રદીપ શાકભાજી વેચે છે. આ ઘટના વિશે જયશ્રીના ભાઈ ચંદ્રભાણે જણાવ્યું કે પ્રદીપ જુગાર રમતો હતો, તે જયશ્રીને ખૂબ માર મારતો હતો.
શુક્રવાર રાતથી ચાલુ રહેલા મુશળધાર વરસાદને લીધે રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. દિલ્હીના સાઉથ-ઈસ્ટ વિસ્તારમાં આવેલા જૈતપુરમાં વરસાદને લીધે એક જૂની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલના કાટમાળ નીચે દટાઈ જતાં ૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા લોકોમાં ૩ પુરુષો, બે મહિલાઓ અને બે છોકરીઓ હતી. પોલીસ અને રાહત-ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રારંભિક માહિતી મુજબ બધા સ્થાનિક રહેવાસીઓ હતા જેઓ ઘટના સમયે ત્યાં હાજર હતા.
થાણેને અન્ય શહેરથી જોડતા બે મુખ્ય રસ્તાના રિપેરિંગનો આરંભ થયો છે જેનો ખર્ચ અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયા છે. થાણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. શ્રીકૃષ્ણ પાંચાળે કહ્યું હતું કે ‘ભિવંડી-ચિંચોટી અને ભિવંડી-વાડા રોડના રિપેરિંગ માટે અનુક્રમે ૩૦૦ કરોડ અને ૭૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. એને કારણે આ મહત્ત્વના રોડ પર ટ્રાફિક હળવો થશે અને અકસ્માત ઘટશે. એ ઉપરાતં થાણે-ઘોડબંદર રોડ પર પણ હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં આટોપાઈ જશે.’
મુંબઈ ઍરપોર્ટ પર બૅન્ગકૉકથી આવેલા પ્રવાસી પાસેથી ૫૪ એક્ઝૉટિક વન્યજીવો મળી આવ્યા હતા. શુક્રવારે બપોરે ઇન્ડિગોની ફ્લાઇટમાંથી આવેલા પ્રવાસીનો સામાન ચેક કરતાં એમાંથી અલ્બીનો રેડ ઇઅર્ડ સ્લાઇડર ટર્ટલ્સ, માર્મોસેટ્સ અને કુસ્કુસ મળી આવ્યાં હતાં. એ પછી તરત જ વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરોએ પ્રાણીઓને પાછાં બૅન્ગકૉક મોકલાવી દેવાનો આદેશ આપ્યો હતો.
વિશ્વના મૂળનિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ગઈ કાલે કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં આદિવાસીઓ દ્વારા તેમની પરંપરાગત વેશભૂષા અને સંગીતનાં વાદ્યો સાથે નૃત્ય કરીને જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે સખત ગરમી હોય અને પ્રવાસ કરતા હોઈએ ત્યારે રસ્તા પર આગળ સહેજ દૂર પાણી હોવાનો ભ્રમ થતો હોય છે જેને મૃગજળ કહેવાય છે. હાલ તો વરસાદની મોસમ છે પણ ગઈ કાલે બપોરે વાદળો પણ છવાયાં હતાં અને ભેજ પણ હોવાને કારણે બફારો થતો હતો ત્યારે મરીન ડ્રાઇવની સડકો પર મૃગજળ હોવાનો ભાસ થતો હતો જે કૅમેરામાં આબાદ ઝિલાઈ ગયો હતો. તસવીર : આશિષ રાજે
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી ઍન્ડ મૅનેજમેન્ટ (ITM) GIDA (ગોરખપુર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ આૅથોરિટી)ના સ્ટુડન્ટ્સે સરહદો પર તહેનાત ભારતીય સૈનિકો માટે ડિફેન્સ રાખીનો નમૂનો બનાવ્યો છે. આ રાખડીઓમાં બ્લુટૂથ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), માઇક્રોફોન, માઇક્રોપ્રોસેસર અને ટ્રિગર બટન છે જે સૈનિકોને દૂરથી તેમનાં શસ્ત્રોને નિયંત્રિત કરવાની સુવિધા આપશે. આ રાખડીમાં રહેલા ટ્રિગર બટનને દબાવવાથી ત્રણ કિલોમીટરના અંતરમાં મૂકવામાં આવેલાં શસ્ત્રોને ઍક્ટિવેટ કરી શકાય છે. ઘાયલ સૈનિક ટ્રિગર દબાવીને પોતાનું લોકેશન શૅર કરી શકે છે. આમ આ રાખડી સૈનિકો માટે ઉપયોગી છે.