13 September, 2023 09:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોનુ માનેસર
ગુરુગ્રામ: ગૌરક્ષક અને બજરંગ દળનો ઍક્ટિવિસ્ટ મોનુ માનેસરને ગઈ કાલે પોલીસે કસ્ટડીમાં લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજસ્થાન પોલીસે ફેબ્રુઆરીમાં બે મુસ્લિમ પુરુષોની હત્યા બદલ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જ્યારે હરિયાણાના નૂંહમાં રિસન્ટ્લી થયેલી હિંસા માટે ઉશ્કેરણી કરવાનો કેટલાક લોકોએ તેના પર આરોપ મૂક્યો હતો. માનેસરની ગઈ કાલે હરિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. માનેસરને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. બજરંગ દળના આ લીડરની અટકાયત કરવામાં આવી હોવાનું હરિયાણા પોલીસે શરૂઆતમાં કન્ફર્મ કર્યું નથી. જોકે વિશ્વ હિન્દુ પરિષદના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે ગુરુગ્રામના માનેસરમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. ૩૧મી જુલાઈએ થયેલી હિંસા પહેલાં એક વિડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ હતી, જેમાં માનેસરે જણાવ્યું હતું કે તે બ્રિજ મંડલ જળાભિષેક શોભાયાત્રામાં ભાગ લેશે. નૂંહમાં વિશ્વ હિન્દુ પરિષદની આ યાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો.
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે કન્ફર્મ કર્યું હતું કે કેરલના કોઝિકોડ જિલ્લામાં બે જણનાં નિપાહ વાઇરસને કારણે મૃત્યુ થયાં હતાં. તેમણે જણાવ્યું કે નિપાહ વાઇરસ ઇન્ફેક્શનની સ્થિતિ પર કન્ટ્રોલ કરવામાં રાજ્ય સરકારને મદદ કરવા તેમ જ સ્થિતિની સમીક્ષા માટે એક્સપર્ટ્સની એક કેન્દ્રીય ટીમ કેરલમાં મોકલવામાં આવી છે. કેરલના આરોગ્ય વિભાગે સોમવારે રાતે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે કોઝીકોડમાં સોમવારે તાવના પગલે બે ‘અકુદરતી મોત’ થયાં હતાં. મૃત્યુ પામનાર બે જણમાંથી એક જણના સંબંધીઓ પણ આઇસીયુમાં ઍડ્મિટ છે. આ મૃત્યુ બાદ આરોગ્ય વિભાગે આ જિલ્લા ઍડ્મિનિસ્ટ્રેશનને અલર્ટ કર્યું હતું. સોર્સિસના જણાવ્યા અનુસાર કેરલમાંથી વધુ ચાર લોકોનાં સૅમ્પલ્સ આ જીવલેણ વાઇરસના ટેસ્ટિંગ માટે પુણેમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીને મોકલવામાં આવ્યાં છે. આ પહેલાં ગઈ કાલે કેરલ સરકારે કોઝીકોડમાં એક કન્ટ્રોલ રૂમ શરૂ કરી હતી અને લોકોને અગમચેતીના ભાગરૂપે માસ્ક પહેરવાની સલાહ આપી હતી. એક ફેસબુક-પોસ્ટમાં મુખ્ય પ્રધાન પિનારાયી વિજયને જણાવ્યું હતું કે તેમની સરકાર આ બે મૃત્યુને ગંભીરતાથી લઈ રહી છે. મૃત્યુ પામનાર આ બે વ્યક્તિઓના નજીકના સંપર્કમાં આવેલા મોટા ભાગના લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી.
દૌસા: કેન્દ્રીય રાજ્ય પ્રધાન જનરલ (રિટાયર) વી. કે. સિંહે પીઓકે બાબતે આપેલા એક સ્ટેટમેન્ટની ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર થોડા સમય બાદ પોતાની મેળે જ ભારતમાં ભળી જશે. રાજસ્થાનમાં દૌસામાં પીઓકેના શિયા મુસ્લિમોની ભારત માટે માર્ગો ખોલવાની માગણી વિશે પૂછવામાં આવતાં સિંહે કહ્યું હતું કે ‘થોડો સમય રાહ જુઓ, પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે.’ દૌસામાં બીજેપીની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન હિન્દુત્વના મુદ્દે કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીનાં સ્ટેટમેન્ટ્સ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘તેમણે કૈલાશ માનસરોવરની યાત્રા પર જતાં પહેલાં નૉનવેજ ખાધું હતું, જેમને ખબર જ નથી કે ધર્મ શું હોય છે તો તેમના માટે કંઈ ન બોલી શકાય.’
નવી દિલ્હી: જુલાઈમાં ૭.૪૪ ટકાની ૧૫ મહિનાની ઊંચાઈને સ્પર્શ કર્યા બાદ રીટેલ ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ઘટીને ૬.૮૩ ટકા થયું છે. જેનું કારણ શાકભાજીની કિંમતોમાં ઘટાડો છે. જોકે એમ છતાં એ રિઝર્વ બૅન્કના કમ્ફર્ટ ઝોનથી વધારે છે. નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ દ્વારા ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા ડેટા અનુસાર ફૂડ સેગમેન્ટમાં એકંદર ઇન્ફ્લેશન જુલાઈમાં ૧૧.૫૧ ટકાની સામે ઑગસ્ટમાં ૯.૯૪ ટકા રહ્યું છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રીટેલ ઇન્ફ્લેશન ઑગસ્ટ ૨૦૨૨માં સાત ટકા હતું. ડેટા અનુસાર વેજિટેબલ સેગમેન્ટમાં ઇન્ફ્લેશન જુલાઈમાં ૩૭.૪ ટકા હતું જેની સામે ઑગસ્ટમાં ૨૬.૧૪ ટકા રહ્યું હતું. ‘ઑઇલ ઍન્ડ ફેટ્સ’ પ્રોડક્ટ્સની કિંમતો ઑગસ્ટમાં ઘટીને ૧૫.૨૮ ટકા થઈ છે.
નવી દિલ્હી: મૅન્યુફૅક્ચરિંગ, માઇનિંગ અને પાવર સેક્ટરમાં સારા પર્ફોર્મન્સને કારણે ભારતના ઔદ્યૌગિક ઉત્પાદનની વૃદ્ધિ જુલાઈમાં ૫.૭ ટકાની પાંચ મહિનાની ઊંચાઈને આંબી હતી. આઇઆઇપી (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન)ની દૃષ્ટિએ ફૅક્ટરી પ્રોડક્શનની વૃદ્ધિ જુલાઈ ૨૦૨૨માં ૨.૨ ટકા હતી. આ પહેલાં સૌથી વધુ વૃદ્ધિ ફેબ્રુઆરી ૨૦૨૩માં ૬ ટકા નોંધાઈ હતી. જેના પછી માર્ચ ૨૦૨૩માં વૃદ્ધિદર ઘટીને ૧.૯ ટકા થયો હતો. નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ દ્વારા રિલીઝ કરવામાં આવેલા આઇઆઇપીના ડેટા અનુસાર મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરના આઉટપુટમાં જુલાઈ ૨૦૨૩માં ૪.૬ ટકાની વૃદ્ધિ હતી.