NEET-UG Paper Leak Row: ભૂલો કરવાનું બંધ કરો… સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

24 July, 2026 02:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

NEET-UG Paper Leak Row: સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીકની ઘટનાઓને રોકવા અને પરીક્ષા પ્રક્રિયામાં કાયમી સુધારાઓ અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે તે આ સુધારાઓની પ્રગતિ પર સમગ્ર વર્ષ દરમિયાન બારીકાઈથી નજર રાખશે

ફાઇલ તસવીર

નીટ (NEET) પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર (Central Government)ને સખત ફટકાર લગાવી છે અને પરીક્ષા પ્રક્રિયામાં થતી ભૂલોના સિલસિલાને તાત્કાલિક અસરથી બંધ કરવા નિર્દેશ આપ્યા છે.

નીટ પેપર લીક (NEET-UG Paper Leak Row) મામલે જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે પરીક્ષા પદ્ધતિ સામે સવાલો ઉઠાવતા કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન મોડ (CBT) માં બદલવા અને ડેટા સુરક્ષિત રાખવા માટે કયા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે? આના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ સમગ્ર પરિસ્થિતિ અને આગળનો રોડમેપ રજૂ કરવા માટે થોડો વધુ સમય માંગ્યો હતો.

એફિડેવિટ દાખલ કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને નીટ-યુજી (NEET-UG) પેપર લીક બાદ સુધારાઓ લાગુ કરવામાં થયેલી પ્રગતિ અંગે વિગતવાર એફિડેવિટ (હલફનામું) દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. પીઠે સ્પષ્ટ કર્યું હતું કે, એફિડેવિટમાં માત્ર કામચલાઉ ઉપાયો પર નિર્ભર રહેવાને બદલે સુધારાને કાયમી અને સંસ્થાગત બનાવવા માટે લેવાયેલા પગલાંની વિગતો આપવી પડશે.

કોર્ટે પ્રસ્તાવિત ગવર્નિંગ બોર્ડ, નિષ્ણાતોની ટીમો, સ્ટેકહોલ્ડર્સના નામાંકન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી, રિસર્ચ, પારદર્શિતા અને માનવ સંસાધન જેવા ૧૦ મહત્વના ક્ષેત્રોમાં હાઈ-પાવર્ડ કમિટીની ભલામણોના અમલીકરણ અંગે માહિતી માંગી છે.

કોર્ટે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

કોર્ટે કેન્દ્ર પાસે સુરક્ષા, દેખરેખ અને સતર્કતા માટે તાજેતરમાં નિમાયેલા એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) ની ભૂમિકા અને પ્રગતિ વિશે પણ ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા ચક્રના તમામ તબક્કાઓ—પરીક્ષા પહેલાં, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી લેવાયેલા સુધારાઓ પર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.

કોર્ટે રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે પરીક્ષા પદ્ધતિઓ, મલ્ટિપલ સેશનમાં પરીક્ષાઓનું આયોજન, પરીક્ષા કેન્દ્રો, પ્રશ્નપત્રો, પ્રિન્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશન અંગે થયેલી પ્રગતિની માહિતી પણ માંગી છે.

વાયુસેનાની તૈનાતી માત્ર કામચલાઉ ઉપાય

સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિમ્હાએ નોંધ્યું હતું કે, પેપર લીક બાદ પ્રશ્નપત્રોના સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન માટે ભારતીય વાયુસેના (Indian Air Force) ની મદદ લેવી એ માત્ર એક કામચલાઉ વ્યવસ્થા હતી અને તે કોઈ કાયમી ઉકેલ હોઈ શકે નહીં.

કોર્ટે ઉમેદવારોના વેરિફિકેશન માટે `ડીજીયાત્રા` (DigiYatra) જેવી ટેકનોલોજીના ઉપયોગ અંગે સરકારના પ્રસ્તાવ વિશે પણ પૂછપરછ કરી હતી. કેન્દ્રના અગાઉના એફિડેવિટમાં આ મુદ્દાઓનો સમાવેશ ન હોવાથી, સોલિસિટર જનરલ તુષાર મહેતાના નવા એફિડેવિટ રજૂ કરવાના આશ્વાસનને કોર્ટે સ્વીકાર્યું હતું.

કેસની વધુ સુનાવણી આગામી સોમવાર પર મુલતવી રાખતાં કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, ‘અમે આ સમગ્ર પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખીશું. સુધારાઓ કાયમી ધોરણે લાગુ થાય તે અમે સુનિશ્ચિત કરીશું અને આખા વર્ષ દરમિયાન તેના પર નિગરાની રાખીશું.’

neet exam supreme court indian government national news news indian air force