26 July, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં (ડાબેથી) કેન્દ્રીય પ્રધાનો જિતેન્દ્ર સિંહ અને જે.પી. નડ્ડા તથા CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકા.
૩થી ૧૫ મે, પરીક્ષા રદ અને CBI તપાસ: ૨૦૨૬ની ત્રીજી મેએ યોજાયેલી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)નું પેપર લીક થયા બાદ ૧૨ મેએ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને તપાસ સોંપી. ૧૫ મેએ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ-બ્રીફિંગમાં ગરબડ સ્વીકારી હતી.
૧૬ મે, CJPની સ્થાપના: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતની વાઇરલ ટિપ્પણીથી પ્રેરિત થઈને અભિજિત દીપકેએ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની સ્થાપના કરી, જે જોતજોતાંમાં યુવાનોના આક્રોશનું મુખ્ય માધ્યમ બની ગઈ.
૬ થી ૨૦ જૂન, જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન: CJPએ ૬ જૂને દિલ્હીના જંતરમંતર પર પ્રથમ મોટું પ્રદર્શન કર્યું અને ૨૦ જૂનથી અનિશ્ચિતકાલીન ધરણાં શરૂ કર્યાં. શિક્ષણપ્રધાનનું રાજીનામું, પરીક્ષાપદ્ધતિમાં સુધારણા અને માનસિક તાણમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર મળે એ તેમની મુખ્ય માગણીઓ હતી.
સોનમ વાંગચુકના ૨૬ દિવસના ઉપવાસ: જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ આંદોલનમાં જોડાયા અને સતત ૨૬ દિવસ સુધી ભૂખહડતાળ પર બેઠા, જેનાથી વિરોધ-પ્રદર્શન વધુ મજબૂત બન્યું.
૨૦ જુલાઈ, સંસદકૂચ અને પોલીસનો બળપ્રયોગ: CJPની સંસદકૂચ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયર ગૅસના ગોળા છોડ્યા. આ બળપ્રયોગના વિરોધમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી નેતાઓએ વડા પ્રધાન આવાસ નજીક ધરણાં કર્યાં; જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી.
સંસદ ઠપ અને વડા પ્રધાનનો વિડિયો-સંદેશ: સંસદના મૉન્સૂન સત્રમાં વિપક્ષે શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી સાથે ભારે હંગામો મચાવતાં કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. સ્થિતિ ગંભીર બનતાં ૨૩ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-સંદેશ જાહેર કરીને દોષિતો સામે કડક કાર્યવાહી અને ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની જાહેરાત કરી.
૨૪-૨૫ જુલાઈ (ડ્રાફ્ટ બિલને મંજૂરી અને રાજીનામું): ૨૪ જુલાઈએ કેન્દ્રીય કૅબિનેટે પેપર લીક કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ ધરાવતા ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી. આખરે આંદોલન અને ભારે રાજકીય દબાણ સામે ઝૂકીને ૨૫ જુલાઈએ શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ CJP દ્વારા પણ સરકાર સાથે ઔપચારિક વાટાઘાટો બાદ આંદોલન સમેટ્યાની જાહેરાત કરવામાં આવી હતી, તમામ આંદોલનકારીઓને ઘરે પરત ફરવા માટે અપીલ કરવામાં આવી હતી.
૩૬ દિવસના આંદોલનનો અંત: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સરકારે કૉક્રૉચ જનતા પાર્ટીની બાકીની માગણીઓ પણ સ્વીકારી લીધી: બન્ને પક્ષોએ સંયુક્ત પત્રકાર-પરિષદમાં કરી જાહેરાત, ચાર અઠવાડિયાં પછી ફરી થશે બેઠક
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સરકારે બાકીની બધી માગણીઓ પણ સ્વીકારી લીધી એને પગલે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ શનિવારે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ
(NEET-UG)ના મુદ્દે જંતરમંતર સહિત દેશભરમાં ચાલી રહેલું ૩૬ દિવસનું આંદોલન તાત્કાલિક અસરથી સમેટી લેવાની જાહેરાત કરી હતી. પરીક્ષા-પ્રણાલીમાં વ્યાપક સુધારા વિશે હવે ૪ અઠવાડિયાં બાદ બન્ને પક્ષો વચ્ચે ફરી બેઠક યોજાશે.
સરકાર અને CJP વચ્ચે થયેલી બેઠક બાદ સંયુક્ત પત્રકાર-પરિષદમાં CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે ‘સરકાર સાથે થયેલી સમજૂતીના આધારે અમે આ આંદોલન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. મંગળવાર સુધીમાં સરકાર તમામ મુદ્દાઓ અંગે લેખિત ખાતરી આપશે.’
CJPએ સરકાર સમક્ષ પાંચ માગણીઓ મૂકી હતી : ૧. કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. (૨) દિલ્હી સહિત BJPશાસિત રાજ્યોમાં આંદોલનકારીઓ સામે નોંધાયેલા તમામ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) અને કેસ પાછા ખેંચવા. ૩. ભવિષ્યમાં આંદોલનકારીઓ સામે કોઈ બદલાની કાર્યવાહી ન કરવાની ખાતરી. ૪. NEET-UG પરીક્ષાના વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવું. ૫. જાહેર પરીક્ષા-પ્રણાલીમાં સુધારા માટેના પાંચ મુદ્દાના ચાર્ટર પર ચર્ચા શરૂ કરવી.
CJPએ દાવો કર્યો છે કે સરકારે તેમની બધી માગણીઓ સ્વીકારી લીધી છે તેમ જ FIR પાછા ખેંચવાની પ્રક્રિયા ત્રણથી ૪ દિવસમાં શરૂ થશે.
સરકાર તરફથી વાટાઘાટોનું નેતૃત્વ કરનારા કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે CJP દ્વારા રજૂ કરાયેલા પાંચ મુદ્દાના ચાર્ટર પર સરકાર ગંભીરતાથી વિચાર કરશે. તેમણે કહ્યું હતું કે આંદોલન દરમ્યાન નોંધાયેલા કેસો વિશે પણ ચર્ચા થઈ હતી અને દિલ્હી પોલીસ તથા BJPશાસિત રાજ્યોમાં નોંધાયેલા FIR પાછા ખેંચવામાં આવશે. આ ઉપરાંત આંદોલનકારીઓ સામે કોઈ પ્રતિશોધાત્મક કાર્યવાહી પણ નહીં કરવામાં આવે.
જે. પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના ધરાવે છે અને તેમને નિયમો મુજબ શક્ય એટલું વધુ વળતર ચૂકવવામાં આવશે.