10 July, 2023 10:47 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
હિમાચલ પ્રદેશના કુલુમાં બિયાસ નદીના કિનારે નૅશનલ હાઇવેનો ધોવાઈ ગયેલો ભાગ.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી ઘટનાઓમાં ઓછામાં ઓછા પાંચ જણનાં મોત થયાં છે, જેમાંનાં ત્રણ શિમલામાં, એક ચંબામાં અને એક જણ કુલુમાં. ભેખડ ધસી પડવાને કારણે અને ઓચિંતાં પૂર આવવાને કારણે શિમલા, લાહૌલ અને સ્પીતિ, ચંબા અને સોલાન જિલ્લાઓમાં અનેક માર્ગો બંધ છે. હિમાચલ પ્રદેશના કુલુમાં બિયાસ નદીના કિનારે નૅશનલ હાઇવેનો એક ભાગ ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ધોવાઈ ગયો હતો. મંડી અને કુલુ વચ્ચેનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને અનેક વાહનો આ હાઇવે પર ફસાઈ ગયાં હતાં. એ રૂટને ક્લિયર કરવા માટે કામગીરી ચાલી રહી છે. આ રાજ્યમાં બિયાસ સહિત અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાનું જણાવાયું છે. આ રાજ્યમાં કુલ ૧૩૩ રોડ વાહનની અવરજવર માટે બંધ કરાયા છે.